ભલગામડા ગ્રામ પંચાયત પાસે બળી ગયેલી મોટર રીપેરીંગ કરાવવાના પૈસા નથી.!  

- text


 ચાર દિવસથી ગામમાં પાણી વિતરણ બંધ હતું : ગત રાત થી નર્મદા કેનાલનું પાણી આપવાનું શરૂ કરાયું જોકે કેનાલનું પાણી ગામ લોકોને ફાવતું નથી

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે અગાઉ બોરનું પાણી આપતું હોય પણ ઈલેક્ટ્રીક મોટર બળી જવાથી બોરનું પાણી બંધ થતાં નર્મદા કેનાલનું પાણી આપતા પાણી બદલો થવાથી ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.જોકે નર્મદા કેનાલનું પાણી પણ ચાર દિવસ બંધ રહ્યા બાદ ગત રાત્રિથી વળી પાછું ચાલુ કરવામાં આવ્યું છે.ગ્રામજનોને બોરનું પાણી માફક આવતું હોય પણ ઈલેક્ટ્રીક મોટર રીપેર કરવા માટે સરપંચ અને તલાટી ધ્યાન ન આપતા અંતે ગ્રામજનોએ જાતે રીપેર કરવાનું નક્કી કર્યું છે.

હળવદ તાલુકાના અંદાજે 3 હજારની વસ્તી ધરાવતા ભલગામડા ગામે હાલ ભરચોમાસે પાણીની કટોકટી ઉભી થઇ છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમના ગામે ગ્રામ પંચાયત હસ્તકના ત્રણ પાણીના બોર હોય આ બોરમાંથી ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.પણ બે બોરની અગાઉ ઈલેક્ટ્રીક મોટર બળી ગઈ હોવાથી એક જ બોરમાંથી ગામને પીવાનું પાણી અપાતું હોય પણ છેલ્લા 15 દિવસથી આ બોરની પણ મોટર બળી ગઈ હોવાથી મોટર બહાર કાઢવામાં આવી છે.પણ રીપેરીંગ કરવામાં આવી નથી. બોરનું પાણી બંધ થતાં નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવતું હતું. પણ વરસાદને કારણે આ કેનાલની પાણી વ્યવસ્થા ખોરવાઈ હતી.

- text

છેલ્લા ચાર દિવસથી પાણી બંધ હોય ભલગામડા ગામ ચાર દિવસથી તરસ્યું હતું આથી ગ્રામજનોએ બેઠક કરીને ફરી નર્મદા કેનલનું પાણી ગત રાત્રિથી ચાલુ કરાવ્યું છે.જોકે અત્યાર સુધી ગામલોકો બોરનું પાણી પીતા હોય અને હવે અચાનક નર્મદાનું પાણી પીતા પાણી બદલો થવાથી ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે.જેથી ગ્રામજનોએ નર્મદાને બદલે બોરનું પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.જો કે ગ્રામજનોના કહેવા મુજબ ગામમાં સરપંચ જ ન હોય તેમ સરપંચ પણ બીજા હોય અને વહીવટ પણ અન્ય કોઈ ચલાવે છે.સાથે ગામમાં કાયમી તલાટી ન હોય રજુઆત કરવી તો કોને કરવી એ મોટો પ્રશ્ન છે.આથી ગ્રામજનો કહી રહ્યા છે કે મોટર રીપેરીંગ કરાવો પણ સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતમાં પૈસા જ ન હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા છે. તેથી ગ્રામજનોએ નક્કી કર્યું છે કે ઘર દિઠ 100-100 રૂપિયા એકત્ર કરીને બોરની બળી ગયેલી મોટરને રીપેર કરી ફરી ચાલુ કરીશું.

- text