તો…. વીજળી વેરણ બનશે : વીજકંપની જેટકોના 40 હજાર કર્મચારીઓની આંદોલનની જાહેરાત

- text


પડતર માંગણીઓનું નિરાકરણ નહીં થતાં ઇજનેરો સહિતના કર્મચારીઓ 28મીથી અચોક્કસ મુદતની હડતાલ પાડશે 

મોરબી : વિવિધ પડતર માંગણીઓને લઇને વીજ કંપની જેટકોના 6 હજાર ઇજનેરો સહિત 40 હજાર જેટલા કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકાયું છે. તારીખ 23મીએ આવેદન પાઠવીને શરૂઆત બાદ વર્ક ટુ રૂલ, માસ સીએલ અને આમ છતાં ઉકેલ નહીં આવે તો 28મીથી અચોક્કસ મુદતની હડતાલ સુધીનું એલાન આપ્યું છે.જો જેટકોના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે તો આખા રાજ્યમાં વીજ પુરવઠાને માઠી અસર પડી શકે છે.

વીજ કર્મચારીઓના સંગઠન જીબીયા દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઇને લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં તેમને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નહીં હોવાથી તારીખ 23મીએ રાજ્યભરમાં આવેલી ડિવિઝનલ કચેરીઓ પર આવેદન પત્ર પાઠવવામાં આવશે. સંગઠનના પદાધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારી તમામ વીજ કંપનીઓના કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાવાવાને છે.

- text

આ ઉપરાંત અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સંગઠન દ્વારા સરકાર સમક્ષ જે માંગણીઓ મુકવામાં આવી છે. તેમાં ગેરકાયદે પ્રમોશન ઓર્ડર રદ કરવામાં આવે, નવા સ્ટાફની ભરતી કરવામાં આવે, નવા યુનિટની મંજુરીઓ આપવામાં આવે, કર્મચારીઓને હોટલાઇન એલાઉન્સ આપવું સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.

જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન, જીબીયાના હોદ્દેદારોએ જણાવ્યું કે, આ બિપોરજોય વાવાઝોડા બાદ દિવસ રાત કામ કરીને વીજ પુરવઠો પૂર્વવત કરનારા કર્મચારીઓને સરકાર હક્ક આપી રહી નથી. ગત તારીખ 20મીએ જેટકો મેનેજમેન્ટ અને જીબીયાના હોદ્દેદારો વચ્ચે યોજાયેલી વાટાઘાટો બાદ સમાધાન થયું નથી. ત્યારે તારીખ 23થી 26મી સુધી વર્ક ટુ રૂલ અને તારીખ 27મીએ માસ સીએલ મુકવા માટે કર્મચારીઓને જણાવી દેવાયું છે. તેમ છતાં મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય નહીં લે તો તારીખ 28મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવમાં આવશે.

- text