ઈજનેરી, ફાર્મસી કોલેજોમાં 5 ટકા સુધીનો ફી વધારો 

- text


ફી નિયમન સમિતીએ રાજ્યની 500 કોલેજો માટે વર્ષ 2023-24થી 2025-26નું ફી માળખુ જાહેર કર્યું 

મોરબી : રાજ્યની ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતીએ રાજ્યની 500 કોલેજો માટે વર્ષ 2023-24થી 2025-26નું ફી માળખુ જાહેર કર્યું છે. સમિતિ દ્વારા મહત્તમ 5 ટકા સુધીનો વધારો મંજુર કરવામાં આવ્યો છે. આ સિવાય 110 કોલેજો એવી છે કે, જેમણે 5 ટકા કરતાંય વધુનો ફી વધારો માગ્યો હોવાથી કોલેજોએ પાસેથી છેલ્લા ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યાં છે જેની ચકાસણી કર્યા બાદ ફી જાહેર કરાશે.

રાજ્યમાં વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન કોરોના મહામારીના કારણે તમામ ટેકનિકલ કોલેજોની ફી યથાવત રાખવામાં આવી હતી. આ બ્લોકની ફી જાહેર કરવામાં આવી નહોતી. જે અંગે કોલેજોએ પણ સંમતિ આપી હતી. કોરોનો હળવો પડી જતાં ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજની આગામી ત્રણ વર્ષ 2023-24થી વર્ષ 2025-26 સુધીનું ફી માળખુ નક્કી કરવા માટે ગત 20મી માર્ચના રોજ દરખાસ્ત મંગાવવાની જાહેરાત કરાઈ હતી.

- text

આ દરમિયાન કોલેજોની મૂળ ફીમાં 5 ટકાનો વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો તેને ધ્યાને લઈને આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ સિમિત દ્વારા કાર્યવાહી હાથ ધરાતાં 640 કોલેજમાંથી 500 કોલેજ એવી હતી કે જેમણે 5 ટકા સુધીનો જ ફી વધારો માગ્યો હોવાથી તેમને એફિડેવિટના આધારે વધારો મંજુર કરી તેમની ફી જાહેર કરવામાં આવી છે.આ સિવાય 110 કોલેજોએ 5 ટકાથી વધુનો વધારો માગ્યો હોવાથી તેમની ફી હવે પછી જાહેર કરવામાં આવશે. 5 ટકાથી વધુનો વધારો માગનાર કોલેજો પાસેથી છેલ્લા ત્રણ વર્ષનાં નાણાકીય હિસાબો અને અન્ય દસ્તાવેજો મંગાવવાની કાર્યવાહી હાય ધરાઈ છે. આ પ્રક્રિયા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે. આ સિવાય 18 કોલેજ એવી છે કે જેમણે અભ્યાસક્રમો જ બંધ કરી દીધા છે તેમજ 12 કોલેજોએ સમિતિ દ્વારા નિયત કરાયેલ બાહેધરી પત્રક આપ્યું ન હોવાથી તે કોલેજની ફી મંજુર કરવામાં આવી નથી.

- text