સગાઈ તૂટવાનો ખાર રાખી માથાફરેલા શખ્સે યુવતી સાથે લગ્ન કરનાર યુવાનનું માથું ફોડી નાખ્યું

- text


મૂળ કચ્છનો યુવાન ટ્રકનો ફેરો કરવા મોરબી આવતા હુમલો કરાયો

મોરબી : મૂળ કચ્છના રહેવાસી અને હાલમાં મોરબીમા રહેતા માથાફરેલા શખ્સે પોતાની સગાઈ જે યુવતી સાથે થઈ હતી તે તૂટી ગયા બાદ અન્ય યુવાને આ યુવતી સાથે લગ્ન કરી લેતા એ બાબતનો ખાર રાખી ટ્રક ચાલક યુવાનને વગર વાંકે પાઈપના ઘા ઝીકી માથું ફોડી નાખી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા આ ચકચારી બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર યુવાને ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના રાપર તાલુકાના સાણવા ગામના ટ્રક ડમ્પર ચાલક મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી ઉ.22 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28ના રોજ તેઓ કચ્છથી માટી ભરી મોરબી ખાલી કરવા આવતા લક્ષ્મીનગર ગામ નજીક વે બ્રિજમાં કાંટો કરાવી ટ્રાન્સપોર્ટની ઓફિસે જતા હતા ત્યારે મૂળ કચ્છના રાપર તાલુકાના ભુટકીયા ગામના અને હાલ મોરબી રહેતા આરોપી સાજણ નારણભાઇ રબારી અચાનક પાછળથી આવી ચડ્યો હતો અને પાઈપનો એક ઘા માથામાં તેમજ હાથ ઉપર મારતા મોમૈયાભાઈ પડી ગયા હતા. વધુમાં પોતાના ઉપર થયેલા હુમલા અંગે મોમૈયાભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, અગાઉ સાજણની સગાઈ મોમૈયા ભાઈના પત્ની વિરાબેન સાથે થઈ હતી જે સગાઈ તૂટી ગયા બાદ મોમૈયાભાઈ સાથે છ મહિના પહેલા સગાઈ લગ્ન થતા આ બાબતનો ખાર રાખી આરોપી સાજણે હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી સાજણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text