મોરબીનો લાતીપ્લોટ કે ગામડું ! સવા ઈંચ વરસાદમાં અનેક વાહનો ખૂંચી ગયા

- text


હવે તો કાનાભાઈ બચાવે ! લાતીપ્લોટની કરોડોના ખર્ચે ખરા અર્થમાં કાયાપલટ કરી નાંખતો કોન્ટ્રાકટર 

મોરબી : મોરબીની ઓળખ સમાન ઘડિયાળ ઉદ્યોગના હબ ગણાતા લાતીપ્લોટમા સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે વેપારીઓ – ઉદ્યોગકારોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. ગઈકાલે સવા ઈંચ માવઠામા જ લાતીપ્લોટના વિકાસની પોલ છતી થઈ ગઈ હતી, અહીં વરસાદ બાદ અનેક વાહનો કાદવ – કીચડમાં ખૂંચી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘડિયાળ ઉદ્યોગના હબ ગણાતા લાતીપ્લોટને વર્ષોથી રોડ, રસ્તા અને ગટરના પ્રશ્ને અન્યાય થતો હોય સરકાર દ્વારા લાતીપ્લોટ માટે ખાસ પેકેજ હેઠળ 19 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલ અને રસ્તા માટે કામ કરવામાં આવ્યા હતા. પરંતુ આ કામ કેવા અને કેવી રીતે કરવામાં આવ્યા છે તેની પોલ ગત ચોમાસામાં ખુલી ગયા બાદ ગઈકાલે મોરબીમાં વરસેલા કમોસમી વરસાદે ખોલી નાંખી છે.

ગઈકાલે કમોસમી વરસાદ પડયા બાદ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રસ્તાની હાલત સીમની વાડીઓના રસ્તા કરતા પણ બદતર બની ગઈ હતી અને કાદવ કીચડ તેમજ ભૂગર્ભના કામ થયા બાદ કોન્ટ્રાકટર દ્વારા નિયમ મુજબ રસ્તા ખોદયા બાદ પુરાણ કરવામાં ન આવતા અહીં એક અર્થ મુવર, છોટા હાથી, બોલેરો, ટાટા મીની ટ્રક સહિતના વાહનો વિકાસ વાળા રોડ ઉપર ખૂંચી જતા કલાકો સુધી વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.

ઉલ્લેખનીય છે કે, લાતીપ્લોટના ઉદ્યોગકારો અને વેપારીઓને સરકારના કરોડો રૂપિયાના વિકાસ કામથી ફાયદો મળવાને બદલે હાલમાં અધોગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે તો ધારાસભ્ય કાનાભાઈ લાતીપ્લોટના વેપારી અને ઉદ્યોગકારોની મદદે આવી પાલિકા અને વિકાસના કામ કરનારની પોલ ખોલે તો ખરાઅર્થમાં લાતીપ્લોટની મુશ્કેલી નિવારી શકાય તેમ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

- text

- text