દર્દીને ખરા સમયે આધારકાર્ડ કાઢી મદદરૂપ થતાં મોરબી તાલુકા મામલતદાર

- text


મોરબી : મોરબીના એક જરૂરિયાતમંદ દર્દીને બીમારીના મુશ્કેલ સમયે તાત્કાલિક આધારકાર્ડ કઢાવી આપી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ મળે તે માટે મોરબી તાલુકા મામલતદાર નિખિલભાઈ મહેતાએ સનિષ્ઠ પ્રયત્નો કરી દર્દીને સંકટ સમયે મદદરૂપ થયા હતા.

મોરબીના મફતિયા પરા વિદ્યુતનગરમાં રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા મંગાભાઈ મકવાણાના સાત વર્ષના દીકરા મેરૂભાઈને મગજના ટીબીની બીમારી થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બીમારીની સારવાર માટે દરરોજનો પાંચ હજાર જેટલો ખર્ચ આ પરિવારને પોસાય તેમ ન હોય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર લેવાનું નક્કી થયું હતું. પરંતુ દર્દી પાસે આધાર કાર્ડ ન હોય પરિવાર મુશ્કેલીમાં મૂકાયો હતો.

બીજી તરફ આ વાતની જાણ મોરબી તાલુકા મામલતદાર નિખિલભાઈ મહેતાને થતાં તેઓએ તાત્કાલિક આધારકાર્ડ સુપરવાઈઝર નિરવભાઈ થાનકીને હોસ્પિટલ મોકલીને મેરૂભાઈનું આધારકાર્ડ કઢાવી આપ્યું હતું અને દર્દીને સંકટ સમયે નિઃશુલ્ક સારવાર મળી શકી હતી. આ તકે મામલતદાર નિખિલભાઈ મહેતાએ અપીલ કરતાં જણાવ્યું કે, લોકો બેદરકારી ન દાખવે અને ચેતતા નર સદા સુખી ઉક્તિ મુજબ હકારાત્મક અભિગમ દાખવી સરકારની યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

- text

- text