ફેશનેબલ દાઢી રાખનાર યુવાનને 51 હજારનો દંડ ! 

- text


લગ્નપ્રસંગે ડીજેની મનાઈ, હોટલમાં બર્થડે પાર્ટી કરનારને દંડ : બનાસકાંઠાના આંજણા સમાજે ખોટા ખર્ચ બંધ કરવા નિયમો અમલી બનાવ્યા 

મોરબી : મોરબી જિલ્લામાં જેમ પાટીદાર સમાજે ઘડિયા લગ્ન પ્રથા અમલમાં મૂકી ખોટા ખર્ચ ઘટે તે માટે સમાજ સુધારણાનો પ્રયાસ કર્યો છે તે રીતે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા આંજણા ચૌધરી સમાજે સમાજના લોકો પ્રસંગોમાં ખોટા ખર્ચ બંધ કરે અને ખોટી દેખાદેખી ન કરે તે માટે અલગ અલગ 22 સુધારા અમલમાં મુક્યા છે, જે અન્વયે આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા ઉપર પ્રતિબંધ મૂકયો છે અને જો છતાં પણ ફેશનેબલ દાઢી રાખવામાં આવે તો 51 હજારનો દંડ ફટકારવાનો નિયમ અમલી બનાવી લગ્નપ્રસંગે ડીજેની મનાઈ કરી હોટલમાં બર્થડે પાર્ટી કરનારને પણ દંડની જોગવાઈ કરી છે.

બનાસકાંઠાના આંજણા સમાજે ખોટા ખર્ચાઓ સામે બોયો ચડાવી છે. ધાનેરાના 54 ગામના ત્રીસી, ચોવીસી આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિહ્ન કર્યો છે. ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં વિવિધ 22 સુધારા કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ ચૌધરી સમાજમાં સુધારણા અને સમુહ લગ્ન બાબતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો તેઓ ફેશનેબલ દાઢી રાખશે તો તેમને 51,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

- text

સાથે જ સમાજના નવા સુધારામાં કેટલીક પરંપરાના નામે કેટલીક બદીઓ દૂર કરાઈ છે. એટલું જ નહીં બદીઓ ફરી શરૂ ન થાય તે માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ છે અને જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે. એ સિવાય લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51,000થી વધુ ન આપવા, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનો નિયમ બનાવાયો છે. સાથે સન્માન સમયે સાલ, પાઘડી, વિંટી કે ભેટ ન આપવાની પણ પહેલ કરવામાં આવી છે.

ઉપરાંત લગ્નમાં ડી.જે., જન્મ દિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ. ઉપરાંત ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. સમાજ સુધારણા અને સમૂહ લગ્ન બાબતે સભા યોજાઈ હતી. જેમાં આ સુધારા કરાયા હતા. સમાજના પ્રમુખ રાયમલ પટેલે પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતા સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. વ્યસનને તિલાંજલી ન આપનારને 1 લાખ રૂપિયાનો દંડ સહિતના સુધારા અમલી બનાવતા સમસ્ત સમાજ દ્વારા નવા નિયમોને આવકારવામાં આવ્યા હતા.

- text