બાઈક ઉપર બેઠેલા યુવાનને કાળનું તેડું આવ્યું

- text


હળવદના વેગડવાવ ગામના આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થતા અરેરાટી 

હળવદ : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે…. છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામના આશાસ્પદ રબારી યુવાનનું બાઈક ઉપર બેઠા બેઠા અચાનક જ હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ વિભાભાઈ રબારી ઉંમર વર્ષ 26 ગત તારીખ 22 ના રોજ સાંજના સમયે પરિવારજનો સાથે બેઠા હતા ત્યારે બાઈક લઈ થોડે દૂર તેમના ઘરે જઈ રહ્યા હતા તે સમયે ઘર પાસે પહોંચતા જ બાઈકમાંથી ઢળી પડ્યા હતા.બનાવને પગલે પરિવારજનો દ્વારા તાત્કાલિક અશ્વિનભાઈને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવ્યા હતા.જોકે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં કાળો કલ્પાત મચી ગયો હતો‌. તબીબોની પ્રાથમિક તપાસમાં યુવાનોનું મોત હાર્ડ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિનભાઈ પરિવારનો આધાર સ્તંભ હતા તેઓ બે ભાઈ અને એક બેન હોય જેમાં સૌથી મોટા અશ્વિનભાઈ હતા અશ્વિનભાઈના લગ્ન થયા હોવાનું અને તેઓને સંતાનમાં એક અઢી વર્ષનો દીકરો હોવાનું જાણવા મળે છે, જોકે અશ્વિનભાઈની અણધારી વિદાયથી અઢી વર્ષના દીકરાએ બાળપણમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી દેવાની સાથે રબારી પરિવારે આશાસ્પદ આધારસ્તંભ ગુમાવી દેતા નાના એવા ગામમાં અને રબારી સમાજમાં ઘેરો શોક છવાયો છે.

- text