લુપ્ત થતો રાવણહથ્થો વગાડી રાજ્યમાં ડંકો વગાડતો વાંકાનેરનો યુવાન

- text


વાંકાનેરના યુવાન કિશન બારોટે ઈઝરાઈલના રાષ્ટ્રપતિને પણ રાવણહથ્થાના સુરે ડોલાવ્યા છે

મોરબી : રાવણહથ્થો,એકતારો સહિતના પૌરાણિક વાજિંત્રો લુપ્ત થઇ રહ્યા છે ત્યારે વાંકાનેરના યુવાન કિશન બારોટે પૈતૃક વારસામાં મળેલ રાવણહથ્થા વાદ્ય વગાડવાની કલાને જીવંત રાખી તાજેતરમાં યોજાયેલ કલા મહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં અવ્વલ આવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તુમ્બડી, લાકડું અને ધાતુના તારથી બનેલ સાવ સામાન્ય લાગતું રાવણહથ્થા વાજિંત્ર આજના સમયમાં લુપ્ત થઈ રહ્યું છે, રાવણહથ્થાના સુમધુર સંગીત સાથે ગ્રામીણ સંસ્કૃતિ અને લોકજીવનને ઉજાગર કરતા કલાકારો પણ હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ બચ્યા છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં વસવાટ કરતા કિશન બારોટે રાવણહથ્થો વગાડવાની વારસામાં મળેલી કળાને આજે પણ જીવંત રાખી નાના-મોટા કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં પોતાની આ કળાને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત સરકાર આયોજિત કલા મહાકુંભમાં રાવણહથ્થા વાદનમાં પ્રથમ ક્રમાંક મેળવી મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

- text

રાવણહથ્થા વાજિંત્રના ઇતિહાસ અને ઉદભવ અંગે કિશન બારોટ કહે છે કે, એવી માન્યતા છે કે, દશાનંદ રાવણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે પોતાના મસ્તક, ભુજાઓ, આંગળીઓ અને માથાના વાળનો ઉપયોગ કરીને રાવણહથ્થાનુ સર્જન કરી રાવણહથ્થાની સુરાવલી વહાવીને ભગવાન શિવજીને ખુશ કર્યા હતા.

ઉલ્લેખનીય છે, કે રાવણહથ્થા જેવી પૌરાણિક વાદ્યકલાને જીવંત રાખવા કિશન બારોટ લગ્નપ્રસંગ, નાના મોટા કાર્યક્રમ,ઓરકેસ્ટ્રા ઉપરાંત સરકારી કાર્યક્રમોમાં પોતાની કલાને રજૂ કરી ગુજરાન ચલાવે છે. મહત્વનું છે કે તાજેતરમાં ઈઝરાઈલના રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ પણ કિશન બારોટે રાવણહથ્થાની સુરાવલી વહાવી મહેમાનોનું દિલ જીત્યું હતું.

- text