સિરામિક ફેકટરીમાં ગુદામાં કંપ્રેશરથી હવા ભરી દેતા શ્રમિકને સારવારમાં ખસેડાયો

- text


પેટમાં હવા ભરાય જતા ગંભીર હાલતમાં શ્રમિકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબીના બંધુનગર ગામે કોઈ વિકૃત શખ્સે અમાનવીય હરક્ત કરતા શ્રમિકની હાલત નાજુક બની છે. જેમાં મોરબીના બધુંનગર ગામે સેનેટરી વેર્સ કારખાનામાં કામ કરતા શ્રમિકના ગુદામાં વિકૃત શખ્સે મજાક મસ્તીમાં કંપ્રેશરથી હવા ભરી દેતા આ શ્રમિકનું પેટ ફુલાયું હતું અને પેટમાં હવા ભરાય જવાથી ગંભીર હાલતમાં શ્રમિકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ સેનેટરી વેર્સ કંપનીમાં રહીને મજૂરી કામ કરતો સરોજરામ દેવકનરામ ઉ.વ.29 નામનો પરપ્રાંતીય શ્રમિક ગત તા.15 માર્ચના રોજ રાત્રીના 10-30 વાગ્યાના સમયે કારખાનામાં સૂતો હતો. ત્યારે તે જ કારખાનામાં કામ કરતો કોઈ અજાણ્યો શખ્સના મગજમાં વિકૃતિ એટલી હદે સવાર થઈ ગઈ હતી કે મજાક મસ્તીમાં ન કરવાનું અધમ કૃત્ય આચરી બેઠો હતો. આ વિકૃત શખ્સે મજાક મસ્તીમાં સુતેલા શ્રમિકના ગુદામાં કંપ્રેશરની નળી ભરાવીને હવા ભરી દેતા અચાનક જ શ્રમિકનું પેટ ફુલાય ગયું હતું અને શ્રમિકની ગંભીર હાલત થઈ ગઈ હતી. આથી શ્રમિકને તુરંત મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ વિકૃત બનાવની હજુ જાણવા જોગ એન્ટ્રી થઈ છે. જેમાં હાલ આરોપી તરીકે કોઈ અજાણ્યા શખ્સનો ઉલ્લેખ છે. બીજી તરફ રાજકોટ સારવારમાં રહેલા શ્રમિકની હાલત નાજુક છે. એટલે તેની સારવાર પુરી થયા બાદ અને આ ઘટનાની તપાસ બાદ અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

- text