મોરબીની ટાઇલ્સને હલકી કહેનાર વિવેક બિન્દ્રા સામે બાયો ચડાવતો સિરામિક ઉદ્યોગ

- text


કહેવાતા મોટીવેશનલ સ્પીકર સામે કાનૂની લડત આપવાની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કાર્યવાહી

વિશ્વના બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરવા 30 વર્ષનો ભોગ આપનાર મોરબીના ઉદ્યોગકારો લાલઘૂમ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સીધો પ્રહાર કરી કહેવાતા મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ મોરબીની ટાઇલ્સને હલકી ગણાવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો લાલઘૂમ બન્યા છે. વિવેક બિન્દ્રાના બિલ્ડરો સંદર્ભેના વીડિયોમાં મોરબીના સિરામિક ઉદ્યોગ અને ટાઇલ્સ વિશે ઘસાતું બોલવા સંદર્ભે હાલમાં સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા તેમજ અન્ય હોદ્દેદારોના ધ્યાનમા આવતા તેમને સિરામિક એસોસિએશનના હોદ્દેદારોને જાણ કરતા મામલો ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મામલે જરૂર પડે તો બદનક્ષીનો દાવો પણ માંડવા તૈયારી ચાલી રહી છે, સાથે જ ફેસબુકને પણ વિવેક બિન્દ્રાના આ વીડિયોને બ્લોક કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સમગ્ર વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા વિશ્વમાં 20 ટકા અને દેશના 93 ટકા ટાઇલ્સ અને સેનેટરીવર્સનું ઉત્પાદન સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને વર્ષે 16000 કરોડથી વધુ એક્સપોર્ટ તેમજ 45000 કરોડથી વધુનું દેશમાં આ ઉદ્યોગનું ટર્નઓવર ધરાવે છે ત્યારે દેશ માટે ગૌરવ સમાન મોરબીના સિરામિક ઉદ્યોગ વિશે તાજેતરમાં કહેવાતા મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ પોતાના એક બિલ્ડર્સની છેતરપિંડી ઉજાગર કરવા માટેના એક વીડિયોમાં હદ વટાવી દઈ સમગ્ર મોરબીના સિરામિક જગત ઉપર પ્રહાર કરતો આક્ષેપ કરી બિલ્ડરો મોરબીની સસ્તી અને હલકી ટાઇલ્સ ધાબડી રહ્યાનુ જણાવતા સિરામિક ઉદ્યોગ ઉકળી ઉઠ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે વર્ષ દહાડે 60 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગની વૈશ્વિક નામના છે ત્યારે આવા ઉપજાવી કાઢેલા અને પાયા વિહોણા બયાનને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેમ હોય હાલ તુર્ત ફેસબુકને આ વીડિયો બ્લોક કરવા મોટા પ્રમાણમાં રીકવેસ્ટ મોકલવાની સાથે લીગલ એક્શન માટે પણ અભિપ્રાય મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને વર્તમાન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના ધ્યાનમાં આ વીડિયો આવતા તેઓએ મોરબી સિરામિક એસોસિએશનને આ ગંભીર બાબતે લીગલ એક્શન લેવા માટે અનુરોધ કર્યો છે. નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આજે વિશ્વભરમાં મોરબીનો અદકેરો માન મોભો છે, સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સ્થાન મેળવવા ઉદ્યોગકારોએ લગલગાટ 30 વર્ષની મહેનત કરી ઉત્કૃષ્ઠ ઉત્પાદન આપ્યા છે તેથી જ આજે દેશની નંબર વન કંપનીઓમાં મોરબીની પ્રતિષ્ઠિત સિરામિક ફેકટરીઓની ગણના થાય છે, આ સંજોગોમાં આવા કહેવાતા મોટીવેશનલ સ્પીકર મોટી કંપનીઓના દલાલ બનીને મોરબીને બદનામ કરે તે જરાપણ ચલાવી ન લેવાય.

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં પાંચ લાખ કામદારોને રોજગારી આપવાની સાથે નંબર વન ઉત્પાદનો આપી દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ ઉંચી પ્રતિષ્ઠા ધરાવે છે ત્યારે મોરબીના ઉદ્યોગને બદનામ કરવા કહેવાતા આવા તત્વોના પ્રયાસ જરા પણ સાખી લેવાય તેમ નથી. આ અગાઉ પણ આ કહેવાતા મોટીવેશનલ સ્પીકરે મોરબીના સિરામિક ઉત્પાદનો અંગે ઘસાતો વિડીયો પ્રસિદ્ધ કર્યો હતો પરંતુ ત્યારે પ્રથમ ભૂલ ગણી માફ કરાયો હોય આ મહાશયે બીજી વખત ગુસ્તાખી કરી હોય હવે આ વખતે કાનૂની પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતની દરેક ખ્યાતનામ બ્રાન્ડો અને વિદેશની પ્રખ્યાત બ્રાન્ડો મોરબીમા પોતાની પ્રોડકટ બનાવી રહી છે ત્યારે ઉચ્ચતમ ગુણવતા ધરાવતુ મોરબી સિરામીક ક્ષેત્રે કવાલીટીમા પણ પ્રખ્યાત છે ત્યારે વિઘ્ન સંતોષીઓ દ્વારા આવા પ્રકારના કારનામા કરી મોરબીના પ્રતિષ્ઠિત સિરામિક ઉદ્યોગને હાનિ પહોંચાડવા પ્રયાસ કરે તે યોગ્ય ન હોય મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ બાબતને ગંભીર ગણી સરકારનું પણ ધ્યાન દોરશે.

- text