ગેસ, રસ્તા અને છેતરપિંડી મામલે સરકારમાં રજુઆત કરતું મોરબી સિરામીક એસોશિએશન

- text


મોરબી : મોરબી સિરામીક એસોશિએશન દ્વારા ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત સાથે સિરામિક ઉધોગના રોડ રસ્તા, ગેસના ભાવ ઘટાડા અને છેતરપિંડીના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.

મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો અંગે એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળી અલગ – અલગ પ્રશ્નોની વિગત વાર રજુઆત કરી હતી. જેમાં ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસના ભાવ ઘટાડો કરવા, પેન્ડીંગ સી ફોર્મ, સિરામિક ઝોનના ઇન્ટરનલ રોડ રસ્તાઓ, ઉધોગ ઝોનમાં આધુનિક ફાયર સ્ટેશનની ફાળવણી કરવા તેમજ જીએમડીસી દ્વારા લિગ્નાઇટના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા તેમજ સિરામિક ઉધોગ ઝોનમાં પાણીની વ્યવસ્થા કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી.

વધુમાં એસોશિએશન દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને ગુજરાત ગેસના ભાવમાં ઘટાડો કરવા બાબત તેમજ પેન્ડીંગ સી ફોર્મ બાબતની રજુઆત કરવામાં આવી હતી તેમજ પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાને રૂબરૂ મળીને જીપીસીબીના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ સાથે જ ઉધોગ ઝોનમાં પાણીની વયવસ્થા માટે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાને રજુઆત કરવા સાથે ઉધોગમાં સૌથી મોટી સમસ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને SIT ની રચના કરવા માટે રજુઆત કરી ઉધોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપુતને રજુઆત કરી નવયુક્ત મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી .

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મોરબી – માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, હળવદ – ધ્રાગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરિયા તેમજ કિશોરભાઇ ભાલોડીયા હાજર રહ્યા હતા.

- text

- text