મિસ્ટર MLA…હવે મોરબીને મહાનગર બનાવી રસ્તા, ગટર સહિતના પ્રશ્નો દૂર કરજો

- text


મોરબી શહેર અને તાલુકાની પ્રજાએ જંગી લીડ આપી છે ત્યારે કાનાભાઈએ પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉત્તરવાની કસોટી પાર કરવી પડશે

માળીયા તાલુકાએ પ્રથમ વખત જ કાનાભાઈ ઉપર પ્રેમ વરસાવી લીડ અપાવી હોય તાલુકાનું પછાત હોવાનું લેબલ દૂર કરવા કાંતિલાલે જનતાને રિટર્ન ગિફ્ટ આપવી પડશે

મોરબી : ભાજપ હોય કે કોંગ્રેસ હોય મોરબી – માળીયા વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાની તાસીર મુજબ હમેશા ત્રણથી પાંચ હજારની લીડથી કોઈપણ પક્ષને જીત અપાવતા આવ્યા છે પરંતુ આ વખતે પ્રજાએ ભાજપ ઉપર અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કરી કાંતિલાલ અમૃતિયાને 62 હજાર મતની જંગી લીડ આપી છે ત્યારે મિસ્ટર એમએલએ એવા કાંતિલાલની પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની જવાબદારી પણ વધી છે. ખાસ કરીને ચારેક દાયકા જુના સેટઅપથી ચાલતી લબાડ નગરપાલિકાને મહાનગરમાં રૂપાંતર કરી મોરબીના રોડ, રસ્તા, ભૂગર્ભ, ટાઉન પ્લાનિંગના પડકારોની સાથે કાનભાઈને મોરબી તાલુકાના સિંચાઈ અને રોડ રસ્તાના પ્રશ્નની સાથે સિરામિક ઉદ્યોગને જોડતા પ્રશ્નોને ઉકેલી મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રમાં જબરી સર્જરી કરવી પડશે.

વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ પેરિસની ઉપમા ધરાવતા ધૂળિયા મોરબીને ફરી એક વાર પેરિસ બનાવાનો રસ્તો સાફ કરી દીધો છે. મોરબી માળીયા જ નહીં બલ્કે સમગ્ર મોરબી જિલ્લાની રગેરગથી વાકેફ કાંતિલાલ અમૃતિયાને ભાજપે ફરી ચૂંટણી મેદાનમાં ઉતારતા જ સાચા જનસેવકને ચૂંટી કાઢવા લોકોમાં અભૂતપૂર્વ જોમ જુસ્સો દેખાતો હતો અને જ્યારે 8 ડિસેમ્બરે મતગણના થતા જ લોકોનો પ્રેમ ઇવીએમમાંથી છલકીને બહાર આવવાની સાથે કાંતિલાલ અમૃતિયા 62 હજારથી વધુ મતે વિજેતા બનાવી લોકોએ કાંતિલાલ ઉપર પોતાના કામ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ખાસ કરીને મોરબી જિલ્લો બન્યાને દસકો વીતવા આવવા છતા હજુ સુધી મોરબી શહેર કે જિલ્લાને જોઈએ તેવી સુવિધા નથી મળી, સીરામીક, ઘડિયાળ, પોલીપેક, બાથવેર અને પેપરમિલ જેવા ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં કરોડરજ્જુની ભૂમિકામા હોવા છતાં આ ઉદ્યોગોને ગેસ, કોલસો, પાણી તો ઠીક આંતરિક રોડ રસ્તા આપવામાં સ્થાનિક તંત્ર વામણું સાબિત થયું હોય હવે કાંતિલાલ ધારાસભ્ય બનતા જ આ ઉદ્યોગ પોતાના પ્રાણપ્રશ્નો ખતમ થવાની આશા સેવી રહ્યા છે.

બીજી તરફ મોરબી જિલ્લો બનવાની સાથે ઉદ્યોગની ભરમાર હોવાથી મોરબી દિવસે ન વધે એટલું રાત્રે વધી રહ્યું છે છતાં પણ દાયકા જુના મોરબી નગરપાલિકાના સેટઅપમાં કોઈ ફેરફાર ન થતા હવે મહાનગરની હરોળમાં આવી ગયેલ મોરબી શહેરને સારી સુવિધા માટે મહાનગરથી વિશેષ કઈ ખપે તેમ ન હોય ફરી એક વખત ધારાસભ્ય બનેલા અને પ્રધાન બને તેવી 100 ટકા શકયતા ધરાવતા કાનાભાઈ ગાંધીનગર જતાની સાથે જ મહાનગરના મુદ્દાને પ્રાયોરિટી આપી મોરબીના રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ અને ગેરકાયદે બાંધકામના દુષણને ખતમ કરવા ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલવારી કરાવવા કમર કસે તે પ્રજાની માંગ છે.

- text

મોરબી શહેરની જેમજ મોરબી તાલુકો અને ખાસ કરીને માળીયા વિસ્તાર પણ વિકાસ ઝંખી રહ્યો છે, આઝાદી બાદ પ્રથમ વખત જ મોરબી શહેર, તાલુકા ઉપરાંત માળીયા મિયાણા વિસ્તારે પણ કાંતિલાલ ઉપર પ્રેમ વરસાવી ઐતિહાસિક લીડ કાઢી આપી છે ત્યારે નવા નહિ પરંતું જુના જોગી એવા કાંતિલાલ મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો હલ કરાવી અત્યંત પછાત હાલતમાં રહેલા માળીયા શહેરને સુવિધાઓથી સમૃદ્ધ કરે તે સમયની માંગ હજવાનું લોકો જણાવી રહ્યા છે.

કાંતિલાલ અમૃતીયાને આ વખતે માળિયા મીયાણા તાલુકા માંથી જંગી લીડ મળી છે ત્યારે માળીયા શહેર અને તાલુકો પણ કાનાભાઈ પાસે વિશેષ અપેક્ષા રાખી રહ્યો છે. જેમાં માળિયા મીયાણા તાલુકાના એવા 27 ગામડાઓ છે જ્યાં સિંચાઇ વ્યવસ્થાનો અભાવ છે. જ્યારે માળિયા મીયાણા શહેર માં 2001ના ભુકંપ પહેલા બસ સ્ટેન્ડ હતું આ શહેરમાં ગુજરાતના કોઇપણ ખુણે જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ હતી જે ભુકંપ બાદ બસ સ્ટેન્ડ પડી જતાં આજે 22 વર્ષ જેટલો સમય વિતવા છતાં કોઇપણ પાર્ટી એ બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો નથી કર્યા, દરીયાઇ પટી પર આવતા ગામડાઓની દશા ખાસ કરીને રોજગારી માટે વિકટ પરિસ્થિતિ નિર્માણ કરી રહી છે, આવા ગામડાઓમાં માછીમારી અને મીઠા ઉદ્યોગ સાથે વધુ લોકો જોડાયેલા છે. જેમને પૂરતી સુવિધા નથી મળી. જ્યારે નવલખી થી ટીકર રણ સુધીનો દરીયાઇ કિનારો અને દરીયાઇ ક્રીક બંધ કરી દેવામાં આવતા માછીમારોની રોજગારી પડી ભાંગી છે, હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા ઓ બન્યા છે તે રસ્તાઓ જેવા કે ખાખરેચી વેણાસર, નાનાભેલા મોટા દહિસરા, વવાણીયા વરસામેડી, વરસામેડી નવલખી ફાટક, પીપળીયા સ્ટેશન થી મહેન્દ્રગઢ, સરવડ થી મોટાભેલા, મોટી બરાર, નાની બરાર, જશાપર મોટાભેલા, તરધરી નાનાભેલા, બગસરા ભાવપર જેવા ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તામાં અવધી પહેલા ટુટી ગયા છે, જ્યારે માળિયા મીયાણા ઉપર કાંઠાના ખાખરેચી, સુલતાનપુર, ખીરઇ, વેજલપર, ઘાટીલા જેવા ગામડાઓને સમયસર ખેતીપાક માટે સિંચાઇ નું પાણી મળી તેવી માંગ છે.

આમ લોકોના દિલ જીતનાર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પાસે મોરબી વિધાનસભા વિસ્તારના લોકો તેમના વિસ્તારની અનેક સમસ્યા અને પ્રશ્નોના ઉકેલની આશા રાખી રહ્યા છે.

- text