માળીયામાં માતા-પુત્રની હત્યા કરનાર કૌટુંબિક ભત્રીજા સામે ગુન્હો દાખલ

- text


ભેંસો ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરતી હોવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ છરી મારીને બેવડી હત્યાને અંજામ આપ્યો

મોરબી : માળીયાના કોબા વાંઢ વિસ્તારમાં ગઈકાલે માતા-પુત્રની થયેલી બેવડી હત્યા મામલે કૌટુંબિક ભત્રીજા સામે હત્યાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં આ બે પરિવારના એક જ શેઢે ખેતરો આવેલા હોય અને કૌટુંબિક ભત્રીજાની ભેંસો બાજુના એટલે તેના કૌટુંબિક કાકાના ખેતરમાં ઘૂસીને પાકનું નુકશાન કરતા કૌટુંબિક કાકાના દીકરાએ તેને ઠપકો આપતા ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ તેના જ કૌટુંબિક કાકી અને પિતરાઈને છરી ઝીકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધી આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

માળીયાના કોબા વાંઢ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ઈશાભાઈ હબીબભાઈ મોવર (ઉ.વ.49)એ તેમના કૌટુંબિક ભત્રીજા શાહરુખ યુસુફભાઈ મોવર સામે પોતાના પુત્ર હબીબભાઈ ઈશાભાઈ મોવર (ઉ.વ.23) અને તેમના પત્ની ઝરીનાબેન ઈશાભાઈ મોવર (ઉ.વ.45)ની હત્યા કર્યાની માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ઈશાભાઈ હબીબભાઈ મોવર અને આરોપી શાહરુખ યુસુફભાઈ મોવરના એક જ શેઢે બાજુબાજુમાં ખેતર આવેલા છે.

- text

દરમિયાન ગઈકાલે ફરિયાદી ઈશાભાઈ તેમના પુત્ર અને પત્ની સાથે તેમના ખેતરમાં ખેતીકામ કરતા હતા.ત્યાઈ પુત્ર હબીબ ખેતર ટ્રેક્ટર ચલાવતો હતો અને હબીબે બાજુના ખેતરના ભેંસો ચરાવતા શાહરુખ મોવરની ભેંસો તેમના ખેતરમાં ચરવા આવી હતી આથી હબીબે આરોપી શાહરુખ મોવરને કહ્યું હતું કે, તમારી ભેંસો અમારા ખેતરમાં ઘુસી ગઈ છે અને કપાસ સહિતના પાકને નુકસાન કર્યું છે. જ્યારે અમારી ભેંસો તમારા ખેતરમાં આવી હતી ત્યારે તમારા પિતાજી યુસુફભાઈએ ભારે ઠપકો આપ્યો હતો. આ વાત સાંભળીને ઉશ્કેરાયેલા આરોપી શાહરુખ મોવરે ફરિયાદીના યુવાન પુત્ર હબીબને ગળાના ભાગે છરી મારી તેમજ ફરિયાદીના પત્ની ઝરીનાબેન પણ છરીના ઘા ઝીકી દીધા બાદ બન્નેને તાકીદે સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્ને માતા-પુત્રના મોત નિપજતા ડબલ મર્ડરના આ બનાવની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text