અમારું મીટર કેમ નથી બદલી આપતો કહી વીજકર્મીની ફરજમા રૂકાવટ

- text


હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે બે દારૂડિયાઓએ વીજ કર્મીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પંચાયત કચેરીનું ફોલ્ટી વીજ મીટર બદલવા ગયેલા વીજ કર્મીને બે દારૂડિયા શખ્સોએ અમારું વીજ મીટર કેમ બદલી નથી આપતો કહી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફરજમા રૂકાવટ કરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ ખાતે રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા મૂળ અરવલ્લી જિલ્લાના વતની મહેન્દ્રભાઇ સુરમાભાઇ રોત પોતાના સાથી કર્મચારી સાથે નવા દેવળીયા ગ્રામ પંચાયતનું ફોલ્ટી મીટર બદલાવવા ગયા ત્યારે અહીં પાનની દુકાન નજીક નશો કરેલી હાલતમાં બેઠેલા આરોપી મનસુખ ભગવાન પટેલ તથા મહેશ પટેલ રહે બન્ને નવા દેવળીયા નામના શખ્સોએ મહેન્દ્રભાઇને કહેલ કે મે પણ મીટર બદલવા અરજી કરી છે મારું મીટર કેમ નથી બદલી આપતો. જેથી મહેન્દ્રભાઈએ આ બાબતે તેમના ઉપરી અધિકારી સાથે વાત કરવા મોબાઈલ નંબર આપ્યા હતા.

બાદમાં મહેન્દ્રભાઈ વીજમીટર બદલવાની કામગીરી કરતા હતા ત્યારે બન્ને આરોપીઓએ આવી ભૂંડાબોલી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકા પાટુનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે મહેન્દ્રભાઈએ હળવદ પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨),૩૨૩,૩૩૨,૧૧૪ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૧)(R)(S),3(2)(5-A) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text