મોરબીમાં પર્યુષણ સમયે જ જૈન દેરાસર પાસે પાણી ભરાતા લોકોને હાલાકી

- text


વોર્ડ નબર-3માં વરસાદી પાણી સહિતની સમસ્યા તંત્રની ઉદાસીનતાને કારણે વકરી હોવાનો કોંગી અગ્રણીનો આક્ષેપ

મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નં 3માં વરસાદી પાણીના ભરાવવાની સમસ્યા સર્જાય છે. પર્યુષણ પર્વ સમયે જ જૈન દેરાસર પાસે વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સંવત્સરીના સમયે આ ગંભીર સમસ્યા સર્જાય હોય દેરાસરમાં લોકો ન જઈ શકતા હોવાથી મુશ્કેલી મુકાયા છે.વોર્ડ નબર-3માં વરસાદી પાણી સહિતની સમસ્યા તંત્રની ઉદાસીનતાને કારણે વકરી હોવાનો કોંગી અગ્રણી મહેશ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો છે.

મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી જૈન દેરાસર પાસે ભરાયેલ છે. હાલ જૈન ધર્મના લોકોનો પર્યુષણનું પર્વ પણ શરૂ થઈ ગયું છે અને આ વરસાદી પાણીના નિકાલના અભાવે જૈન દેરાસરની આસપાસ અને અરુણોદય નગર પાસે પાણી ભરાઈ રહેલ છે. નગરપાલિકા તરફથી તેમનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે જૈન ધર્મમાં માનનારા લોકો દેરાસરની અંદર પૂજા અર્ચના કરવા જઈ શકતા નથી. જૈન સમાજની આના કારણે લાગણી દુભાઈ રહેલી છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા મતની લાલચ હોય તો જ કામ કરતી હોવાનો મહેશ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો છે.

વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો ભલે પરેશાન થાય આપણે આપણું કામ કર્યા કરો એવું ધારીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નોને નજરઅંદાજ કરે છે. ગયા વર્ષે પાણીના નિકાલ માટે જે પાઇપો નાખવામાં આવેલા તે પાઇપો હાલ ત્યાંથી કાઢી લેવામાં આવેલ છે. જો ખરેખર પાણીનો નિકાલ કરવો હોય તો જ્યાં ઉમા ટાઉનશીપને પાણી પૂરું પાડતી ટાંકી બનાવેલ છે. ત્યા જે ફરતી દીવાલ બનાવેલ છે. તેને દૂર કરી કરી સી ચેનલ બનાવી કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવો જોઈએ તેવી આ વિસ્તાર વતી તેઓએ માંગણી કરી છે.

- text

- text