હળવદમાં સંતરામ શિશુવાટિકાનો પ્રારંભ

- text


વિદ્યાભારતી જેવી સંસ્થા દેશની સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરી રહી છે: રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેન પ્રિયંક કાનૂન્ગો

હળવદ : હળવદમાં વિદ્યાભારતી સંલગ્ન રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્થાનમ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેન પ્રિયંક કાનૂન્ગોની ઉપસ્થિતિમાં સંતરામ શિશુવાટીકાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેન પ્રિયંક કાનૂન્ગોએ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની ભૌગોલિક રક્ષા કરવાનું કાર્ય સેના કરી રહી છે જ્યારે વિદ્યાભારતી જેવી સંસ્થા દેશની સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાએ એવી પેઢી તૈયાર કરી છે જે આવનારા સમયમાં દરેક પડકારોનો સામનો કરવા તૈયાર હશે. આ સંસ્થાએ કરેલા સેવા કાર્યોની પ્રશંસા કરી સંસ્થાના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિદ્યાભારતી ગુજરાત પ્રાંત-શિશુ વાટિકાના માર્ગદર્શક જયેશભાઈ ત્રિવેદીએ શિશુ શિક્ષાને મહત્વ આપતા જણાવ્યું હતું કે, શિશુ શિક્ષાનો પ્રારંભ ગર્ભાવસ્થાથી થાય છે. શિશુને જે સંસ્કારો આપવામાં આવે છે તે સમાજના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી બને છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવેએ જણાવ્યું હતું કે, સરસ્વતી શિશુ વાટીકામાં અમે છાત્રોને જે સંસ્કાર આપીએ છીએ તેમા કોઇ કસર ન રહી જાય અને રાષ્ટ્રના નિર્માણમાં દરેક છાત્રો પોતાનો મહત્વનો ભાગ ભજવે તેવા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છીએ.

સરસ્વતી શિશુ મંદિરમાં ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને સંપૂર્ણપણે વૈદિક પરંપરા મુજબ શિશુ વાટિકા થી ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. હાલ અત્યારે ૨૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી ૭૫ બાળકો છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે આસામથી દત્તક લીધેલી ૩૬ દિકરીઓ સાત વર્ષથી આ સંસ્થામાં અભ્યાસ કરી રહી છે.

સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા ચાલતા કન્યા છાત્રાલય અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ૧૧ વર્ષથી કાર્યરત છે. ૧૧ વર્ષની અનેકવિધ પ્રવૃત્તિમાં શૈક્ષણિક કાર્યક્રમો, રાષ્ટ્રવંદના, ઉત્સવો, શિબિરો, સ્કીલ કેરિયર, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, રક્તદાન કેમ્પ, નિદાન કેમ્પ, ખેલકૂદ કાર્યક્રમ તેમજ સામાજીક કાર્યો કરવામાં આવે છે. આ સંસ્થામાં ચિલ્ડ્રન હોમમાં રહી ચૂકેલી બાળાઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવ્યું છે. તેમાંથી આજે મોટાભાગની બાળાઓએ ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમાંથી ૪૦ જેટલી બાળાઓ નોકરી કે સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાયેલી છે.

- text

આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિર હળવદના સંત દિપકદાસજી મહારાજ, કવાડીયા હનુમાનજી મંદિરના સંત પ્રભુચરણ દાસજી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, હળવદ મામલતદાર એન.કે. ભાટી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ શેરસિયા, રોટરી ક્લબ હળવદના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, બિપિનભાઈ દવે, તપનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, દાતાઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

- text