સિંચાઈ,શિક્ષણ અને પવનચક્કી મુદ્દે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તડાપીટ

- text


હવેથી મોરબી જિલ્લામાં પવનચક્કી નાંખવી હશે તો ગ્રામપંચાયતનો ઠરાવ ફરજીયાત : 19 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં સિંચાઈ પ્રશ્ને તડાપીટ બોલી હતી. જેમાં મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડ બાદ પાંચેક વર્ષથી સિંચાઈ યોજનાના કામોને સજ્જડ બ્રેક લાગી જતા આ મુદ્દે હોબાળો મચી ગયો હતો. સિંચાઈના 334 જેટલા કામો બાકી હોવાથી અને બે જ કર્મચારીથી સિંચાઈ વિભાગ ચાલતો હોય સિંચાઈનો સ્ટાફ ભરવા માટે તેમજ એક વર્ષમાં માત્ર બે જ સિંચાઈના કામો મંજૂર થયા હોય આથી કોઝવે તેમજ તળાવના કામો ઝડપથી પુરા કરવાની રજુઆત કરાઈ હતી.

મોરબી જિલ્લામાં સિંચાઈ કૌભાંડ મામલે કારોબારી ચેરમેને આપણા પાપે જ ખેડૂતોને ભોગવવું પડતું હોવાનો એકરાર કર્યો હતો. આડેધડ અને ગેરકાયદે પવનચક્કી નાખવા મામલે જિલ્લામાં ક્યાંય પણ પવનચક્કી નાખવાની હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ હોય તો નાખી શકશે તેવો ઠરાવ કરાયો હતો. જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે તડાપીટ બોલી હતી. જેમાં 250થી વધુ શિક્ષકોની ઘટ છે. તેમજ લવણપુર અને રાજપર ફું ની બે શાળા બંધ કરવામાં આવી હતી. જ્યારે 19 શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. જેથી બાળકોનું ભવિષ્ય વિશે પણ વિચાર વિમર્શ થયો હતો. જિલ્લામાં પંચાયતમાં દોઢ વર્ષ પહેલાં જે કામો શરૂ કરવાના અયોજનો થયા હતા. તે કામો હજુ શરૂ થયા જ નથી. આથી આ મુદ્દે પણ વિપક્ષે ભારે હલ્લો મચાવ્યો હતો.

- text

જિલ્લા પંચાયતની એકપણ સમિતિની કાર્યવાહીની નોંધ વિપક્ષને ન મળતી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. આજના ડીઝીટલ યુગમાં પણ સામાન્ય સભાની પ્રોસેસિંગની નકલો ન મળતી હોવાની વિપક્ષે રજુઆત કરી હતી. પશુપાલન વિભાગ દ્વારા ક્યાં ગામોમાં કેટલું કામ થયું તેની માહિતી જ ઉપલબ્ધ ન હતી. વાંકાનેરના ઠીકરીયાળી ગામે તળાવની પાળ તૂટી ગઈ હોય તેના રિપેરીગ માટે અગાઉની સામાન્ય સભામાં રજુઆત થઈ હોવા છતાં હજુ કાર્યવાહી થઈ નથી. આથી વરસાદમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવવાથી નુકશાની થશે તેવી વિરોધ પક્ષ તરફથી રજુઆત થઈ હતી. કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓનું વેતન શોષણની ફરિયાદ ઉઠી હતી. ગયા વર્ષમાં 31788 જેટલી અરજી ફ્રેમ માટે ખેડૂતો પાસેથી મંગાવી હતી. પણ હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી ન થતા વિપક્ષે રજુઆત કરી હતી.

- text