હળવદના ટિકર (રણ)માં પાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, છાજીયા લીધા

- text


ટિકર ગામના ઇન્દીરા આવાસ વિસ્તારમાં દસ-બાર દિવસથી પાણી ભયંકર સમસ્યા હોવા છતાં સરપંચ રજુઆત સાંભળવામાં આનાકાની કરતા મહિલાઓ કાળઝાળ બની, ગ્રામ પંચાયત અને અને સરપંચના નામના હાય હાયની નારેબાજી લગાવી

હળવદ : હળવદ તાલુકાના દરિયાકાંઠાના ટિકર રણ આવેલ ઇન્દીરા આવાસ વિસ્તારના લોકો છેલ્લા હાલ કાળઝાળ ગરમી વચ્ચે દસ-બાર દિવસથી પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. પાણી આવતું ન હોય અને ઉપરથી સરપંચ બપોરના ટાઈમે આરામ કરતા હોય રજુઆત કરવા આવવું નહિ તેવો જવાબ આપતા મહિલાઓ વિફરી હતી અને મહિલાઓ સાહિતનું ટોળું ગ્રામ પંચાયત કચેરીએ દોડી જઈને રીતસર છાજીયા લીધા હતા અને ગ્રામ પંચાયત અને અને સરપંચના નામના હાય હાયની નારેબાજી લગાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ટિકર રણમાં આવેલ ઇન્દીરા આવાસમાં રહેતી મહિલા સહિતનું ટોળું આજે બપોરે ટિકર ગ્રામ પંચાયત કચેરી દોડી જઈને પાણી પ્રશ્ને સરપંચના પતિને ઘેરાવ કરી મોરચો માંડ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાણીના કોઈ ઠેકાણા જ નથી. ક્યારે પાણી આવે એ નક્કી જ હોતું નથી. તેમાંય છેલ્લા દસ-બાર દીવસ પાણીની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. દસ-બાર દિવસથી તેમના વિસ્તારમાં પાણી આવતું ન જ નથી. આથી બોરનું પાણી પણ ઉપયોગ લઈ શકાતું નથી. તેથી વેચાતું પાણી લેવું પડે છે. આ વિસ્તારમાં આશરે 150 જેટલા મકાનો છે. જે દસેક દિવસથી પાણીની હાડમારી ભોગવે છે.

પાણી યાતના ખૂબ જ ગંભીર હોય ગામના સરપંચ મહિલા હોય પણ તેમના પતિ જ વહીવટ ચલાવે છે. આ વિસ્તારના લોકો ચૂંટણી પુરી થયા બાદ આજ દિવસ સુધી મહિલા સરપંચને જોયા જ નથી. તેમને લોકોના કામમાં રસ જ નથી. તેમાંય પાણી મુદ્દે સરપંચના પતિને રજુઆત કરવી પડે છે. તેમને ગ્રામજનોએ અનેક વખત રજુઆત કરી છે. છતાં પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. તેમાંય સરપંચે બપોરના ટાઈમે આરામ કરતા હોય રજુઆત કરવા આવવું નહિ તેવું કહેતા મહિલાઓ સહિતના લોકો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલી મહિલાઓ સહિતના લોકોએ ગ્રામ પંચાયત અને સરપંચના નામના છાજીયા લીધા હતા અને પાણી આપનો પોકાર કરી ઉગ્ર રજુઆત કરી હતી.

- text

આ મામલે સરપંચના પતિએ કહ્યું હતું કે, લોકોની વાત ખોટી છે. અમે બપોરે ફોન કરવાની ના પાડી જ નથી. લોકોની રજુઆત સાંભળીને ઉકેલ માટે પ્રયાસો કરીએ છીએ. માળીયાની નર્મદા બ્રાન્ચ કેનાલ બંધ હોવાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે પાણીની સમસ્યા હલ કરવા બ્રાહ્મણી નદીમાં કુવા બનાવ્યા હતા.પણ પાણીની સમસ્યા યથાવત રહી છે. હવે પાણી પુરવઠાને રજુઆત કરીને આ લોકોને પ્રાઇવેટ પાણીની લાઈન નાખી આપે તેવી વ્યવસ્થા કરાશે. તેમ તેમણે જણાવ્યું હતું.

- text