મોરબીમાં વૃધ્ધાના ગળામાંથી ચેન આંચકી નાસી ગયેલ સમડીને દબોચી લેતી પોલીસ

- text


મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી એલસીબી અને એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડ્યો

મોરબી : મોરબીના વૃધ્ધા પાસે જઈ સરનામું પૂછવાને બહાને સોનાના ચેઇન આચકી ભાગી જનાર શખ્સેને મોરબી એલસીબી અને એ ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન કરી મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી ઝડપી લેતા સમડીએ વૃધ્ધાનો સોનાનો ચેઇન કાઢી આપ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.24ના રોજ મોરબીના આલપ રોડ ઉપર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા ઉ.60 નામના વૃધ્ધાના ગળામાંથી અજાણ્યો ચોર ચિલ ઝડપ કરી નાસી જતા આ કેસમાં ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

બીજી તરફ મોરબી એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસે બાતમીદારો અને સીસીટીવી કેમેરાના ફુટેજનું નિરીક્ષણ કરી આરોપીને ઓળખી કાઢવા તજવીજ શરૂ કરી હતી. જે દરમિયાન આરોપી અજય માનસિંગ પરસોંડા રહે.રાજકોટ નામનો શખ્સ જુના બસસ્ટેન્ડ નજીક બાઈક લઈને ઉભો હોય પોલીસે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી અજયે સોનાના ચેનની ચીલ ઝડપ કર્યાની કબૂલાત આપી આ ચેન કાઢી આપતા પોલીસે એક લાખનો ચેન તેમજ 20 હજારનું બાઈક કબ્જે કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે આરોપી અજય માનસિંગ પરસોંડા બાઈક લઈને આંટાફેરા કરી એકલ દોકલ મહિલાઓના ગળામાંથી મોકો મળ્યે ચેન દાગીના આચકી લેવાની ટેવ વાળો હોવાનું અને અગાઉ રાજકોટ અને જામનગરમાં ચોરી, મારામારી, હથિયાર સહિતના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાની તેમજ અગાઉ આઠ ગુન્હા આરોપી વિરુદ્ધ નોંધાયા હોવાનું મોરબી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.

- text