હળવદની કિંમતી જમીન પચાવી પાડનાર પાંચ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


મોરબીના રહેવાસીએ જમીન ખરીદી લીધી હોવા છતાં અમારા બાપદાદાની જમીન છે કહી કબ્જો જમાવ્યો

હળવદ : મોરબીના અસામીએ વર્ષ 2018માં હળવદ શહેરમાં ખરીદ કરેલી જમીન ઉપર કબ્જો જમાવી આ જમીન અમારા બાપદાદાની હોવાનું જણાવી ખેતી કરતા રાણેકપર ગામના એક જ પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર શકતીપ્લોટમાં રહેતા દિપુભા બચુભા ઝાલાએ વર્ષ 2018માં રાણેકપરના સવસીભાઇ દેવશીભાઇ ઉડેચા પાસેથી હળવદના રાણેકપર રોડ ઉપર આવેલી હળવદ રેવન્યુ સર્વ નં.૧૮૫૮ ની જમીન હે.આર.ચો.મી.૨-૬૪-૦૬ જમીન ખરીદ કરી હતી. બાદમાં આ જમીન ઉપર જતા અહી રાણેકપર ગામે રહેતા બચુભાઇ દેવશીભાઇ ઉડેચા, રમાબેન બચુભાઇ ઉડેચા, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા, સવશીભાઇ દેવશીભાઇ ઉડેચા અને વાસુભાઇ સવશીભાઇ ઉડેચા ખેતી કરતા હોય દીપુભાએ આ જમીન તેઓએ ખરીદ કરી હોય ખાલી કરવા જણાવતા આરોપીઓએ આ જમીન અમારા બાપદાદાની હોવાનું જણાવી ખેતી કરવાનું ચાલુ રાખ્યું હતું.

- text

દરમિયાન હળવદની આ કિંમતી જમીનના રેવન્યુ રેકર્ડ દીપુભા ઝાલાના નામે હોવા છતાં આરોપીઓ જમીનનો કબ્જો છોડવાને બદલે ખેતી કરી ઉપજ મેળવતા હોય દીપુભા ઝાલાએ મોરબી જિલ્લા કલકટર સમક્ષ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરતા આ અરજી માન્ય રહેતા હળવદ પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text