મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં તત્કાળ સુવિધા ઉપલબ્ધ કરો : પૂર્વ ધારાસભ્ય અમૃતિયા

- text


જિલ્લા કલેકટરને સુવિધાઓ મામલે લેખિત મુદાસરની રજુઆત

મોરબી : મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં પાણીના અભાવે અનેક ગૌવંશના મૃત્યુ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે. નંદીઘરમાં અસુવિધા અને પાણીની વ્યવસ્થામાં કમી સહિતની બાબતો ને લઈ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા કલેકટરને લેખિત મુદાસરની રજુઆત કરી તાકીદે પગલાં ભરવા માંગ ઉઠાવી છે.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા કલેકટર મોરબીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, નગરપાલિકા સંચાલિત નદી ઘરમાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરને પકડી નંદી ઘરમાં રાખવામાં આવે છે પરંતુ અપૂરતી સુવિધા ને લઇ સંખ્યાબંધ મૃત્યુ પામવાના અહેવાલો બહાર આવ્યા છે. આ સંજોગોમાં કાંતિલાલ અમૃતિયાએ ગઈકાલે નંદીઘર રૂપી મંદિરની મુલાકાત લીધી હતી જેમાં અનેક ખામીઓ નજરે પડી હોવાનું ફરિયાદ સ્વરૂપે જણાવ્યું છે.

- text

કાંતિલાલ અમૃતિયાના જણાવ્યા મુજબ તેમની નંદીઘર મુલાકાત દરમિયાન નંદીને પીવાના પાણીની સમસ્યા નિવારવા 8 અવેડા બનાવવામાં આવેલ છે જે વધારવા અને 24 કલાક ભરેલા રાખવા તુર્તજ વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી ઉનાળાની અગનઝાર ગરમીથી બચવા નંદી વધારેમાં વધારે પ્રવાહી લે તે જરૂરી હોવાનું ભાર પૂર્વક જણાવ્યું હતું.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલમાં નંદીઘરમાં મંડપ સર્વિસ દ્વારા છાંયડો કરવામાં આવેલ છે એની જગ્યાએ ખૂબ સારી ક્વોલિટીની તાલપત્રીનો છાયડો કરવો જોઈએ જેથી ગરમીના પ્રકોપથી નંદી ને બચાવી શકાય. આ ઉપરાંત અંદાજે ત્રણ મહિનામાં વર્ષાઋતુનો પ્રારંભ થનાર હોય નંદીઓ માટે ઘાસની વ્યવસ્થા કરવી જરૂરી બનશે જેથી ગોડાઉન બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે.

વધુમાં હાલમાં નદીઓની સાર સંભાળમાં માટે અહીં માત્રને માત્ર એક મહિલાને જવાબદારી સોંપવામાં આવી છે તેને બદલે ઓછામાં ઓછા ૧૫ કર્મચારીઓ હોવા જોઈએ તેવું જણાવી આ તમામ બાબતો અંગે તાકીદે ઘટતી કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી કરી છે.

- text