મોરબીમાં પારકા પૈસાનો હવાલો લઈ બે શખ્સોનો એસટી ડ્રાઇવર ઉપર હુમલો

- text


મોરબી કંડલા બાયપાસે સ્વીફ્ટ કારમાં ધસી આવેલા સાહિલ અને તેના ભાઈની લુખ્ખી દાદાગીરી

મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર ઉભેલા એસટી બસના ડ્રાઇવર પાસે પારકા પૈસાનો હવાલો લીધો હોય તેમ ઉઘરાણી કરી બે શખ્સોએ હીંચકારો હુમલો કરી માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં.બી-૩ મકાન નં.૩૦૩માં રહેતા એસટી બસના ચાલક એવા સહદેવભાઇ દેવશીભાઇ સોલંકી ગઈકાલે પોતાની ફરજ પુરી કરી પાપાજી ફનવર્ડ નજીક ઉભા હતા ત્યારે અચાનક સ્વીફ્ટ કારમાં સાહીલ તથા સાહીલનો ભાઇ ધસી આવ્યા હતા.

વધુમાં સાહિલ અને તેના ભાઈએ સ્વીફ્ટ કારમાંથી ધોકા સાથે ઉતરી સહદેવભાઇ દેવશીભાઇ સોલંકીને કહ્યું હતું કે, રાતભેરના કારીબેનના એક લાખ રૂપિયા તારે મને આપવાના છે જેથી સહદેવભાઈએ કહ્યું હતું કે મારે કારીબેન સાથે વાત થઈ છે અને તેમને પૈસા આપવાની ના પાડી છે. આમ કહેતા જ બન્ને શખ્સો સહદેવભાઈ ઉપર તૂટી પડતા સહદેવભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

જો કે, બાદમાં અન્ય વ્યક્તિએ માનવતાને ધોરણે સહદેવભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે સહદેવભાઈની ફરિયાદને આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સાહિલ અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text