સરકારી જમીનમાં દબાણ અંગે માહિતી માંગનાર આધેડ ઉપર ઉપસરપંચ – સભ્યનો હુમલો

- text


મોરબીના જોધપર ગામે માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજી પાછી લેવા ધમકી આપી ઉપસરપંચ – સભ્ય તૂટી પડ્યા

મોરબી : મોરબીના ભળીયાદ રોડ ઉપર જોધપર નદી ગામની સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલા ગેરકાયદેસર દબાણ મામલે માહિતી અધિકારના કાયદા હેઠળ અરજી કરી માહિતી માંગનાર વૃદ્ધ ઉપર હુમલો કરી ઉપસરપંચ અને સભ્યોએ બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામના રહેવાસી અને હાલમાં મોરબી આલાપ રોડ ઉપર ખોડિયાર પાર્કમાં રહેતા પ્રાગજીભાઇ વાલજીભાઇ રાજપરા, ઉ.62એ જોધપર નદી ગ્રામ પંચાયતમાં માહિતી અધિકારના કાયદા તળે ભળીયાદ રોડ ઉપર સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામ અંગે માહિતી માંગી તલાટી સમક્ષ અરજી કરી હતી.

- text

દરમિયાન ગ્રામ પંચાયતના તલાટી જિજ્ઞાસાબેનને અરજી કરતી વેળાએ ગ્રામ પંચાયત કચેરીમાં બેઠેલા સદસ્ય એવા ભગવાનભાઇ ચતુરભાઇ બરાસરાએ ઉપસરપંચ જયેશભાઇ ભુરાભાઇ હોથીને ફોન કરી કહ્યું હતું કે આપણા ગામના પ્રગજીભાઈએ જમીન કૌભાંડ અંગે માહિતી અધિકારના કાયદા હેઠળ અરજી કરી છે. જેથી થોડીવારમાં જ ઉપસરપંચ જયેશભાઇ ભુરાભાઇ હોથી અને અન્ય મહિલા સદસ્યના સગા એવા માવજીભાઇ ભુદરભાઇ બરાસરા ગ્રામ પંચાયત કચેરી ઘસી આવ્યા હતા અને પ્રગજીભાઈને અરજી પાછી ખેંચી લેવા ધમકી આપી બાઈકમાંથી લાકડાનો ધોકો કાઢી પ્રગજીભાઈને બેફામ માર મારતા તેમના પુત્ર રજનીકાંતભાઈ વચ્ચે છોડાવવા પડતા આ શખ્સોએ જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ઉપ સરપંચ અને સભ્ય સહિતના ત્રણેય શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text