સિરામિક હબ મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

- text


યુરોપિયન-ગલ્ફ દેશો તેમજ દેશના વિવિધ પ્રાંતોમાંથી મોરબી આવતા ખરીદદારોને હાલાકી

સાત ટ્રેનોને મોરબી તેમજ પાંચ ટ્રેનોને વાંકાનેર સ્ટોપેજ આપવા મુંબઈ વેસ્ટર્ન રેલવેને આવેદન

મોરબી : સૌરાષ્ટ્રના અગ્રણી સિરામિક હબ મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી એ એક જિલ્લો છે. મોરબી અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણા નાના ઉદ્યોગો ઉપરાંત પેપર મિલ્સ જેવા ઉદ્યોગો આવેલા છે. કોટન જિનિંગ અને પ્રેસિંગ, ખાદ્ય તેલ ઉદ્યોગો, દિવાલ, ઘડિયાળ, રૂફિંગ ટાઇલ્સ, પેકિંગ વસ્તુઓ સહીત સૌથી વધુ મહત્વનું એ છે કે મોરબી એ સિરામિક હબ છે.

આ ઉદ્યોગોને યુરોપિયન યુનિયન અને ગલ્ફ દેશોની સાથે આંતરદેશીય વેપાર તેમજ નિકાસનો વ્યવસાય છે. ઉત્તર ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારતમાંથી ખરીદદારો મોરબી આવતા હોય છે. તેઓ સામાન્ય રીતે લાંબા અંતરની ટ્રેનો દ્વારા આવતા હોય છે. તમામ લાંબા અંતરની ટ્રેનો રાજકોટ અથવા ઓખા ખાતે સમાપ્ત થાય છે. આથી, તેઓને વાંકાનેર અને અમદાવાદથી રોડ મારફતે મોરબી આવવું પડે છે.

મોરબીની મૂડીદીઠ આવક દેશમાં સૌથી વધુ છે. રેલ્વે, ટેલિકોમ, આબકારી અને અન્ય સરકારી વિભાગ મોરબીમાંથી મહત્તમ આવક મેળવે છે. જો કે મોરબી રેલવે નેટ સેવાઓમાં પાછળ છે. કેટલીક ટ્રેનો ભુજ, ગાંધીધામથી ઉપડતી હોય છે, જે માળીયા (મિયાણા), હળવદમાંથી પસાર થાય છે. તેને પૂરતો ટ્રાફિક નથી. ત્યારે જો આ ટ્રેનોનું સ્ટોપેજ ધ્યાનમાં લેવાય તો આ જાહેર જનતાને મુસાફરી માટે વરદાન બની રહેશે અને રેલવેની આવકમાં પણ વધારો થશે.

- text

આથી, ગાંધીધામથી હાવડા વાયા મોરબી, ગાંધીધામથી ગૌહાટી વાયા મોરબી, ગાંધીધામથી ગયા જં. વાયા મોરબી, ગાંધીધામથી દરભંગા વાયા મોરબી, મોરબીથી રાયગઢ, મોરબીથી પુરી અને મોરબીથી મહેસાણા ઇન્ટરસિટી, આ સાત ટ્રેનો મોરબીને તાત્કાલિક ફાળવવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત, મોરબી જિલ્લાની જાહેર જનતાના પ્રવાસના લાભાર્થે કેટલીક ટ્રેનોને વાંકાનેર ખાતે સ્ટોપેજ આપવા અપીલ કરાઈ છે. જેમાં ઓખાથી બનારસ, શાલીમારથી પોરબંદર, ઓખાથી દહેરાદૂન, ઓખાથી ગૌહાટી અને ઓખાથી ગોરખપુર, આ પાંચ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વાંકાનેર, મોરબી, માળીયા M.G.માંથી B.G માં વિભાગમાં રૂપાંતરણને 20 થી વધુ વર્ષ વીતી ગયા. પરંતુ આ વિભાગમાં લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવી નથી. ગાંધીધામ-બાંદ્રા અને ગાંધીધામ ગુવાહાટી, માત્ર આ બે જ ટ્રેનો ફાળવવામાં આવી હતી.

ત્યારે આ બાબતમાં સર્વોચ્ચ અગ્રતા આપી ધ્યાન આપવા અને વધુ વિલંબ વગર લાંબા અંતરની ટ્રેનો ફાળવવાની વ્યવસ્થા કરવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જે. જે. પટેલ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવે, રાજકોટ રેલવે ડિવિઝન, મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડા કેન્દ્રના રેલવે મંત્રીને લેખિત રજૂઆતમાં અપીલ કરવામાં આવી છે.

- text