હવે મોરબી ચોખ્ખું થશે ! કચરા જેવા કોન્ટ્રાક્ટરને બે લાખનો દંડ

- text


ચીફ ઓફિસર સંદીપસિંહ મોરબીને સ્વચ્છ બનાવવા મેદાનમાં આવ્યા : 21 સ્થળોએ કોન્ટ્રાકટર કચરો જ ઉપડતો ન હોવાનું ખુલ્યું

ડંપિંગ સાઈટને બદલે લીલાપર રોડ ઉપર કચરો ઠાલવવા પ્રશ્ને કોન્ટ્રાક્ટ રદ કરવા અલ્ટીમેટમ

મોરબી : મોરબી પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ આપવા છતાં શહેરમાં ઠેર – ઠેર ઉકરડા ખદબદી રહયા હોય મોરબી શહેર ગંદકીનગરીમાં ફેરવાઈ ગયાની છાપ વચ્ચે નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ મેદાને આવ્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમને સાથે રાખી ચીફ ઓફિસરે અલગ – અલગ 21 જગ્યાએ વિઝીટ કરતા છેલ્લા એક મહિનાથી કચરો જ ઉપાડવામાં ન આવ્યો હોવાનું ખુલતા કોન્ટ્રાક્ટરને રૂપિયા બે લાખથી વધુનો દંડ ફટકારી લીલાપર રોડ ઉપર કચરાના ઢગલા કરવા સબબ કોન્ટ્રાકટ રદ કરવા પણ ચીમકી આપી છે.

મોરબી શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં તેમજ જાહેર ન્યૂસન્સ પોઇન્ટ એટલે કે ઉકરડાનો કચરો ઉપાડવામાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા લાલીયાવાડી ચલાવવામાં આવે છે ત્યારે નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહે હવે લાલીયાવાડી નહિ ચાલે તેવા સાફ સાફ સંકેતો આપી ઓફિસમાં બેસી રહેવાની બદલે જમીની હકીકત જાણવા શહેરભરમાં સફાઈ પ્રશ્ને સરપ્રાઈઝ વિઝીટ શરૂ કરી છે જે અન્વયે સેનેટરી ઇસ્પેક્ટરને સાથે રાખી જુદા – જુદા કચરા પોઇન્ટની સ્થિતિ જોતા છેલ્લા એક મહિનામાં અહીંથી કચરો જ ઉપડ્યો ન હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં ચીફ ઓફિસર સંદીપસિંહે કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ રાખનાર અમદાવાદની શ્રીજી એજન્સીને નોટિસ ફટકારી છે.જેમાં જણાવાયું છે કે, મોરબી શહેરમાંથી કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપડવાનો કોન્ટ્રાક્ટ 24 જાન્યુઆરી 2022થી આપેલ છે. પરંતુ શરત નં11 અને 25 મુજબ કચરાના પોઈન્ટ ઉપરથી નિકાલની કામગીરીમાં બેદરકારી સામે આવી છેમ

- text

વધુમાં કોન્ટ્રાક્ટની શરત નં. 5 મુજબ આજદિન સુધીમાં કચરા સ્ટેન્ડ પર જંતુનાશક દવાનો છંટકાવ કરેલ નથી તેમજ કોન્ટ્રાક્ટની શરત નં.9 મુજબ દૈનિક ઉત્પન્ન થતો કચરો દરરોજ નિયમિત પણે સેનિટરી ઈન્સ્પેકટરની સૂચના મુજબ ડમ્પસાઇટ પર ઠાલવવાનો હોય છે તેને બદલે લીલાપર રોડ પર ઠાલવવામાં આવતો હોવાનું જણાવી કોન્ટ્રાક્ટની શરત નં.10 મુજબ શહેરી વિસ્તારમાં આવેલ તમામ કચરાના પોઈન્ટ ઉપરથી 100 ટકા કચરાનો નિકાલ કરવાનો હોય છે. પરંતુ આજ દિન સુધી પોઈન્ટ પર નિયમિત રીતે કચરો ઉપડેલ ન હોવાનું સાફ સાફ જણાવ્યું છે.

વધુમાં ચીફ ઓફિસર દ્વારા શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ, એવન્યુપાર્ક, સર્કિટ હાઉસ સામે, વોરાબાગ સામે, વાવડી રોડ, નકલંક હોસ્પિટલ પાસે, વાવડી ચોકડી, વી માર્ટ પાછળ, ગર્લ્સ હાઇસ્કૂલની વંડી પાસે, લાતી પ્લોટ નં. ર, સો-ઓરડી, ત્રાજપર ચોકડી, કારીયા સોસાયટી, જનકલ્યાણ નગર, વીશીપરા, પ્રકાશના કારખાના પાસે, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ, બીઆરસી ભવન, માધાપરનો ઝાપો, રોહિદાસપરા, બાલમંદિર, મંગલમ હોસ્પિટલ, રબારીવાસ, મતવાચોક વગેરે 21 જેટલા સ્થળો ઉપર કોન્ટ્રાક્ટની શરત નં.29 મુજબ સેનેટરી ઈન્સ્પેકટર અને ચીફ ઓફિસરની રાઉન્ડ દરમિયાન માલૂમ પડેલ કે છેલ્લા એક મહિના દરમિયાન ઉપરોક્ત કચરાના પોઈન્ટ પરથી અંદાજિત 666 ટન જેટલો કચરો ઉપાડેલ નથી. એટલે કે પ્રતિ ટન 300 રૂ. કપાત કરતાં રૂપિયા 2,00,100 જેટલી કપાત કરવા હુકમ કર્યો છે.

આ ઉપરાંત કોન્ટ્રાક્ટની શરત નં.37 મુજબ તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લાગવાની હોય છે. જે આજદિન સુધી લગાવેલ ન હોવાથી આખરી નોટીસ આપી કોન્ટ્રાકટના ઉપરોક્ત મુદાનો નિકાલ કરવા તાકીદ કરવામાં આવી છે અન્યથા કોન્ટ્રાક્ટ રદ કરવા પણ નોટીસના અંતે ચીમકી રૂપે તાકીદ કરવામાં આવી છે.

- text