મોરબીની પરશુરામ પોટરીની મિલકત મુદ્દે અંતે લેન્ડ ગ્રેબિંગનું શસ્ત્ર

- text


વર્ષોથી લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકો જગ્યા ખાલી કરતા ન હોય બે મહિલા વિરુદ્ધ ફેકટરીના ડિરેક્ટરે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

મોરબી : મોરબી પરશુરામ પોટરીની જગ્યામાં રહેતા ફેકટરીના કામદારો વિરુદ્ધ ફેકટરી માલિકે કરેલા કોર્ટ કેસમાં જગ્યા ખાલી કરવા હુકમ થવા છતાં શ્રમિકો અહી જ વસવાટ કરતા હોય આ કિંમતી જમીન ખાલી કરવવા અંતે ફેકટરીના ડિરેક્ટરે લેબર ક્વાર્ટર ખાલી કરાવવા બે મહિલાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

એક સમયે સમગ્ર ભારતભરમાં નામના ધરાવતી પરશુરામ પોટરી બંધ થઈ જતા હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. જો કે આમછતાં ફેકટરીના અનેક કામદારો હજુ પણ અહીં આવેલા લેબર કવાર્ટરમાં વસવાટ કરે છે અને ફેક્ટરીની આ જમીન વેચાઈ ગઈ હોવાનું પણ ચર્ચામાં છે ત્યારે પરશુરામ પોટરીના ડિરેકટર એવા સરિતાબેન અચ્યુતભાઇ ગણપુલેએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પરશુરામ પોટરીમાં રહેતા બે મહિલાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

- text

પરશુરામ પોટરીના ડિરેકટર એવા સરિતાબેન અચ્યુતભાઇ ગણપુલેએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પરશુરામ પોટરી વર્કસ કુ.લી.માં ગૌશાળા વાળી લાઇનમાં વર્ષ 1993થી શાંતાબેન દેવશીભાઇ સોલંકી અને ખીમીબેન મોતીભાઇ ભંખોડીયા તથા તેમની સાથે આ મકાનમા ગેરકાયદેસર રહેતા તેમના પરીવારના સભ્યો તથા તપાસમા ખુલે તે તમામ લોકો ગેરકાયદેસર રીતે ફેક્ટરીની જમીન પચાવી પાડી છે.

વધુમાં આરોપીઓ વિરુદ્ધ બે અલગ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ઉપરોક્ત આસમીઓ નામદાર કોર્ટમાં પણ કંપની સામે હારી ગયા હોવા છતાં જગ્યા ખાલી કરતા ન હોય તેમની વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.

- text