ચાઈનાને ટક્કર આપવા અને તેનાથી આગળ વધવા શું કરવું જોઈએ? : જાણો જયસુખભાઈ પટેલના વિચારો

- text


ચાઈનામાં સામૂહિક વિકાસ એ સખત પરિશ્રમનું પરિણામ છે, ભારતે આ સિક્રેટ અપનાવવાની આવશ્યકતા : જયસુખભાઈ પટેલ

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં દેશના વિકાસ માટે દંડ અને ડર જરૂરી હોવાની કડક શબ્દોમાં ચર્ચા કરતા જયસુખભાઈ પટેલ

આપણા કરતાં વધુ વસ્તી હોવા છતાં ચાઈના આપણા કરતાં કંઈક ગણી વધારે તરક્કી કરી રહયું છે અને તેની પાછળ જવાબદાર છે સમૂહશકિત અને કડક કાયદા! : જયસુખભાઈ પટેલ

આપણા દેશ કરતાં વધુ વસ્તી ધરાવતા પાડોશી દેશ ચાઈના આજે વિશ્વ બજારમાં છવાઈ ગયો છે. આપણી આસપાસની રોજિંદી વપરાશની ચીજવસ્તુઓમાંથી ચાલીસ ટકા વસ્તુઓ બનાવવામાં ‘મેઈડ ઈન ચાઈના’એ સ્થાન લીધું છે. ભારતના બજારમાં રમકડાંથી માંડી મોબાઈલ અને અન્ય દરેક વસ્તુ ચાઈનાની જ મળે છે અને તે પણ સસ્તા ભાવે. ચાઈના મેઇડ વસ્તુઓ શા માટે સસ્તી હોય છે? એ આપણા કદી વિચારતા નથી. ચાલીસ વર્ષ પહેલાં ચાઈનાની સ્થિતિ આપણા દેશ જેવી જ હતી. ચાઈના પાસે કુદરતી ભેટરૂપ કોઈ સંપત્તિ નથી, કોઈ ટેકનોલોજી નથી, કોઈ વર્લ્ડ બ્રાન્ડ નથી તેમ છતાં દુનિયાભરના લોકોને ચાઈનાની વસ્તુઓએ ઘેલાં કર્યા છે. શા માટે?

લેખની પ્રસ્તાવનામાં જ આ પ્રશ્નો કરી જયસુખભાઈ પટેલ તેનું સિક્રેટ જણાવે છે કે ચાઈના માત્ર માનવ શક્તિ અને હાર્ડ વર્કથી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી વિશ્વના બજારમાં છવાઈ ગયું છે. ભારતમાં પૈસાદાર વધુ પૈસાદાર બનતો જાય છે અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. પરંતુ ચાઈનામાં સામૂહિક વિકાસ છે. ચાઈનાની જેમ આપણા દેશમાં હાર્ડ વર્ક દ્વારા ઉત્પાદન વધારી શકાય અને સામૂહિક વિકાસ સાધવા તરફ ડગલાં ન માંડી શકાય? ભારતમાં લાખે માંડ બેએક હજાર વ્યક્તિનો વિકાસ થતો હશે જયારે ચાઇનામાં એક લાખે સાઠ સિત્તેર હજાર લોકોનો સામૂહિક વિકાસ જોવા મળે છે અને જે દેશમાં સામૂહિક વિકાસ થાય તે દેશની તાકાત સ્વાભાવિકપણે વધે છે. એ દેશ તાકાતવાર બને છે. આ કારણે ચાઈના આજે બધા પ્રકારે શક્તિશાળી બની દુનિયાને હંફાવી રહ્યું છે!

ચાઈનામાં રોડ, બંદરો, હાઉસિંગ, વનીકરણ, શહેરો, ગામો, રેલ્વે, એગ્રીકલ્ચર, મેડીકલ વગેરે ક્ષેત્રે નોંધનીય સારો વિકાસ જોવા મળે છે. ચાઇનામાં પણ મેટ્રો સીટી છે છતાં ગ્રામીણ વિસ્તારોમાં સારો વિકાસ છે. દોઢ લાખની વસ્તી ધરાવતા નગર અને નાના શહેરોમાં પણ ટ્રાન્સપોર્ટની સુવિધા, ફલાય ઓવર બ્રીજ, રોડ, રેલ્વે, એરપોર્ટ, પાણી જેવી દરેક સુવિધા ઉપલબ્ધ છે. ત્યાંના ડિસ્ટ્રીકટ પોર્ટની સજ્જતા અને સુવિધા આપણા મોટા લેખાતાં મુન્દ્રા અને વિશાખાપટ્ટનમથી પણ સારી છે. તે ચોવીસ કલાક કાર્યરત પણ રહે છે. 1988માં ચાઈનામાં ‘સેનજન’થી ’નીગબો’ ચાર વાર ટ્રેઈન, બસ બદલીને 72 કલાકે પહોંચાતું હતું, તે આજે કલાકના 350 કિલોમીટરની સ્પીડે દોડતી સુપરફાસ્ટ ટ્રેનમાં માત્ર 10 કલાકમાં પહોંચી શકાય છે. ચીનમાં ટ્રેનને, એ, બી, સી, ડી, ઈ અને એફ એમ સ્પીડના આધારે વર્ગીકરણ થયું છે. તેના ટ્રેક જુદા, સ્ટેશન જુદા, સ્ટાફ જુદો તેવી વ્યવસ્થા છે. ચાઈનામાં ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓની વાત ઉદાહરણ સાથે કરી આપણા દેશની ચિંતા કરતા અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ આગળ લખે છે કે..

- text

ભારતમાં સરકારી પટ્ટાવાળાની નોકરીની દસ જગ્યાની જાહેરાત સામે દસ હજાર અરજીઓનો ઢગલો થઈ જાય છે. એવું રેલવેની ભરતીમાં પણ થાય છે, કેમ? સરકારી નોકરીમાં એકવાર દાખલ થઈ ગયા પછી લીલાલહેર. કામ કરવાનું નહીં, નૈતિક જવાબદારી નહીં, દૈનિક કામગીરી અંગે કોઈ પૂછનાર નહીં, સરકારના જમાઈરાજા બની એશોઆરામ કરવાનો! આપણે સ્વતંત્રતાનો ખોટો લાભ ઉઠાવીએ છીએ. ભારત દેશ લોકશાહીને લાયક નથી યા ભારતીયો લોકશાહીને પચાવી શકયાં નથી. તેમ મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ કડક શબ્દોમાં આગળ કહે છે કે આપણે સ્વયંશિસ્તમાં માનતા નથી. આપણા દેશની પ્રજા સમજાવવાથી કે સારા સારા ભાષણ કે ઉપદેશ કે ધર્મ કે ભગવાનથી પણ માનતી નથી. ડર પેદા કરવો પડે. પાંચેક હજાર મુઠ્ઠીભર અંગ્રેજોએ ભારત જેવા વિશાળ દેશ પર ભય, ડર બતાવીને બસ્સો વર્ષ સુધી રાજય કર્યું. એ જ રીતે મોગલોએ પણ આપણા દેશ ઉપર રાજ કર્યું હતું. આપણો ઇતિહાસ તેનો સાક્ષી છે. ખરેખર તો આજે ભારતમાં લોકશાહીની નહીં પણ સરમુખત્યારશાહીની જરૂર છે. હિટલરની જેમ દેશ પર દંડો ચલાવનારની જરૂર છે!

ચાઈનામાં દરેક નાગરિકને આઈકાર્ડ આપવામાં આવે છે. આ આઇકાર્ડ વગર કોઈ ફરી જ ન શકે. ચાઈનામાં કોઈ વ્યક્તિ બેંક્પર્ટ થાય કે કોઈપણ પ્રકારની ‘ગુનાખોરી’ પ્રવૃત્તિઓ કરે તો તરત જ તેનું આઈકાર્ડ બંધ કરી દેવામાં આવે છે. આઈ કાર્ડ વગર રેસ્ટોરન્ટમાં પ્રવેશી શકે નહીં, બસ કે ટ્રેનમાં મુસાફરી ન કરી શકે, શોપિંગ મોલમાંથી ખરીદી ન કરી શકે, કોઈજ પ્રોપર્ટી ખરીદ કે વેચાણ ન કરી શકે. અરે, પોતાનું ટીવી પણ ચાલુ ન કરી શકે. મોબાઈલ, ગેસ, પાણી, ઘર વગેરેમાં ગર્વમેન્ટ કે પ્રાઈવેટ પ્રકારની કોઈ સર્વિસ મળી શકે નહીં. પરિણામે તે વ્યક્તિ માઈકાંગલો થઈ જાય. તેના કારણે લોકો ડર અને ભયથી ગુનાખોરી અને કાયદાનું ભંગ થાય તેવા કૃત્ય કરતાં અચકાય છે. આથી, જયસુખભાઈ પટેલ દેશના વિકાસ માટે દંડ અને ડર જરૂરી હોવાનું જણાવે છે

આમ, ચાઈનામાં સામૂહિક વિકાસનું કારણ માનવ શક્તિ અને સખત શ્રમ, શિસ્ત, કાયદાનું કડક પાલન થાય છે. આપણી પોલીસીઓ હંમેશા ‘મૂડીવાદી’ને ધ્યાનમાં રાખીને બને છે પણ ચાઈનામાં કેટલા રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે તેને નહી પરંતુ કેટલા લોકોને રોજગાર મળશે, તે વાતને મહત્વ આપવામાં આવે છે. ચાઇનામાં કોઈ જ હડતાલ, બંધ, સરઘસો, હુલ્લડો, સભાઓ, કથાઓ કે ધાર્મિક સંમેલનો નથી. દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માનીને ફરજિયાત વર્ક કરે છે, જયારે આપણે નૈતિકતા જેવી કોઈ ચીજ જ નથી! તેમ ચોખ્ખા શબ્દોમાં જણાવી જયસુખભાઈ પટેલ પોતાના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં આ લેખ પૂર્ણ કરે છે.

- text