મોરબી પાલિકાના સફાઇ કોન્ટ્રાક્ટરોની જોહુકમી, લીલાપર ચોકડીને જ બનાવી દીધી ડંપિંગ સાઈટ

- text


રફાળેશ્વર ડંપિંગ સાઈટની જગ્યાએ લીલાપર ચોકડીએ કચરાના ઢગલા કરતા સ્થાનિકોનું આરોગ્ય જોખમાવાની ભીતિ

ચીફ ઓફિસરે સફાઈના કોન્ટ્રાકટરને યોગ્ય જગ્યા કચરો ઠાલવવાની સૂચના આપવાનો નિર્દેશ આપ્યો

મોરબી : મોરબી નગરપાલિકાના સફાઈના કોન્ટ્રાકટરની ગંભીર લાલીયાવાળી સામે આવી છે. જેમાં શહેરમાંથી નીકળતો તમામ ક્ચરો ડોર ટુ ડોર એકત્ર કરીને ટ્રેક્ટરો મારફતે રફાળેશ્વર પાસેની ડંપિંગ સાઈટમાં ઠાલાવવાનો હોય છે. પરંતુ સફાઈ કોન્ટ્રાકટરના માણસોએ જોહુકમી ચલાવીને રફાળેશ્વર પાસેની ડંપિંગ સાઈટને બદલે લીલાપર ચોકડીને ડંપિંગ સાઈટ બનાવી દઈને જાહેરમાં કચરો ઠાલવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ગંભીર બાબતે સ્થાનિકોએ પાલિકાના સફાઈ કોન્ટ્રાકટરના માણસોની ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવતા આખો મામલો સામે આવ્યો હતો.

મોરબીની લીલાપર ચોકડી થી માંડીને નવાગામ રોડ પર ગઈકાલે રાત્રે નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાકટરના માણસો ટ્રેકટર ભરીને કચરો ઠાલવી ગયા હોવાનું ધ્યાને આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ગંભીર મામલે સ્થાનિકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરવા માટે સફાઈનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને આ સફાઈ કોન્ટ્રાકટરના માણસોએ શહેરભરમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કરીને એ બધો જ કચરો વર્ષોથી નક્કી કરાયેલા સ્થળ રફાળેશ્વર પાસેની ડંપિંગ સાઈટમાં નાખવાનો હોય છે. પરંતુ આળસુ અને કામચોર સફાઈ કોન્ટ્રાકટરના અમુક માણસો એ અમુક કચરો રફાળેશ્વર પાસેની ડંપિંગ સાઈટને બદલે લીલાપર ચોકડી પાસે ઠાલવી દીધો છે.

લીલાપર ચોકડીએ કચરાના ઢગલા કરીને ટ્રેક્ટર ચાલકો નાસી જાય છે. આ બાબતે સ્થાનિકોએ અનેકવાર છતાં જવાબદારોને ટપર્યા છતાં ગંભીર બેદરકારી દાખવી રોડ પર જ કચરો નાખીને જતા રહે છે. તેથી ભારે દુર્ગધ ફેલાતા રોગચાળો વકરવાની દહેશત ઉભી થઇ છે. આથી પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠાવી હતી.

- text

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ગંભીર બેદરકારી કોઈ કાળે ચલાવી નહિ લેવાઈ, જવાબદાર કોન્ટ્રાકટરને પાલિકાએ નક્કી કરેલી સાઇટમાં જ કચરો ઠાલવવાની તાકીદ કરી છે. જો કે ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારો કડક સૂચના આપવાનું જણાવ્યું છે. ત્યારે આ ગંભીર બાબતમાં શેઠની શિખામણ ઝાંપા સુધી જ રહેશે કે એનો કાયમી કડક અમલ થશે તે જોવાનું રહ્યું.

- text