હર હર મહાદેવ ! મહાશિવરાત્રીએ મોરબી શિવમય બન્યું

- text


રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવન ગજની ધજા ચડાવી શોભાયાત્રા તેમજ પરંપરાગત મેળો ભરાયો

મોરબી : નગર મેં જોગી આયા… મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો અનેરો આધ્યાત્મિક પ્રસંગ. ત્યારે આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વ ઉપર સમગ્ર સીરામીક નગરી મોરબી શિવ ભક્તિમાં તરબોળ બની ગઈ. મહાશિવરાત્રી નિમિતે શિવાલયોમાં દર્શનનું અનેરું મહત્વ હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામી હતી અને મંદિરોમાં ૐ નમઃ શિવાય.. અને હર-હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. જ્યારે સૌથી મોટા ગણાતા રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવન ગજની ધજા ચડાવી શોભાયાત્રા યોજાઈ તેમજ પરંપરાગત મેળો ભરાતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોરબીમાં હમણાંથી કોરોનાની પરિસ્થિતિ એકદમ નોર્મલ હોવાથી જનજીવન પણ સામાન્ય હોવાના કારણે ઉત્સવોનો અગાઉની જેમ જ લોકો લાભ લઇ રહ્યા છે. ત્યારે આજે ભગવાન ભોળાનાથની ભક્તિનો અનેરો મહિમાગાન કરતા મહાશિવરાત્રી પર્વને લઈને લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ છવાઈ ગયો છે. મહાશિવરાત્રીએ ઘણા લોકો એકટાણા ઉપવાસ કરી ફરાળમાં શક્કરીયા આરોગીને ભગવાન શિવની આરાધના કરી છે. જો કે ભગવાન શિવની ભક્તિ માટે શિવાલયમાં દર્શન કરવાનો અનેરો મહિમા હોવાથી આજે મહાશિવરાત્રીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ નાના-મોટા શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને લોકો શિવલિંગને દૂધ તેંમજ બીલીપત્રનો અભિષેક કરી વિશેષ પૂજા અર્ચના કર્યા હતા. જ્યારે શિવાલયોમાં સંતવાણી, મહાપ્રસાદ, પૂજા અર્ચના અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

મોરબીના રફાળેશ્વર મહાદેવ, અગનેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કુબેરનાથ મહાદેવ, જંગલેશ્વર મહાદેવ, નરસંગ ટેકરી પાસેના મહાદેવ, તેમજ તમામ વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિરોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠ્યા હતા. મોરબી તાલુકાના રફાળેશ્ચર ગામે પાસીયા પરીવારના દ્વારા રફાળેશ્ચર મહાદેવજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે રફાળેશ્વર મહાદેવ મંદિર મુકામે રફાળેશ્ચરના આગેવાન ખોડાભાઈ જગાભાઈ પાસીયા તથા સમસ્ત પાસીયા પરીવાર તરફથી મહાદેવજીની શોભાયાત્રા યોજી બાવન ગજની ધજા ચડાવી હતી. સાઘુ-સંતો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ ઉપરાંત રફાળેશ્વર મહાદેવ મંદિર આજે એક દિવસ માટે શિવરાત્રીના મેળાનું આયોજન કરાયું છે. જેમાં અનેક લોકો ઉમટયા છે અને ભગવાન શિવના દર્શન કરી અને મેળાની રંગત માણી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text