મોરબી સિરામીક વોલ ટાઇલ્સના પ્રમુખ માટેની ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના : હવે બે ઉમેદવારો મેદાનમાં

- text


આજે સિરામીક એસોસિએશન દ્વારા ચૂંટણી પંચની રચના કરવામાં આવશે : ચૂંટણી પંચ મતદાન અંગેની તારીખ નક્કી કરશે : છેલ્લી ઘડી સુધી સમરસ માટે પ્રયાસો

મોરબી : મોરબી સિરામીક એસોશિએશનમા વોલ ટાઇલ્સ વિભાગના પ્રતિષ્ઠા ભર્યા પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાને આવ્યા બાદ એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે બે ઉમેદવારો મેદાને રહેતા ચૂંટણી યોજવાનું નક્કી જેવું છે જો કે હજુ પણ છેલ્લી ઘડી સુધી સમરસ પ્રમુખ નિમવા પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્લસ્ટરમાં પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંગઠનરૂપે મોરબી સિરામીક એસોસિએશન સિરામીક ઉદ્યોગના વિકાસ અને પડતી મુશ્કેલીઓ માટે કાર્યરત છે. જેમાં છેલ્લી ત્રણ ટર્મથી વોલ ટાઇલ્સ પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયા બિનહરીફ ચૂંટાઈ આવતા હતા પરંતુ સંગઠનના બંધારણના નિયમને અનુરૂપ તેઓએ રાજીનામુ આપતા નવા પ્રમુખની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં હરેશ બોપાલિયા, પ્રદિપ કાવઠીયા અને ચતુરભાઇ પાડલિયાએ દાવેદારી નોંધાવી હતી.

જો કે, વોલ ટાઇલ્સ વિભાગમાં દાવેદારી નોંધાવનાર ચતુરભાઈ પાડલિયાએ દાવેદારી પરત ખેંચતા મોરબી સિરામીક એસોશિએશનમાં વોલ ટાઇલ્સ વિભાગમાં હવે બે જ ઉમેદવારો મેદાને રહ્યા છે. જો કે, સંગઠનના અગ્રણીઓ દ્વારા હજુ પણ સમરસ પ્રમુખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

- text

બીજી તરફ વોલ ટાઇલ્સ વિભાગ માટે બે ઉમેદવારો મેદાનમાં હોવાથી 340 મતદારો ધરાવતા વોલ ટાઇલ્સ વિભાગ માટે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે મળનારી બેઠકમાં વોલ ટાઇલ્સ વિભાગમાં ન હોય તેવા સભ્યોનું એક ચૂંટણી પંચ બનશે જેમાં એકી સંખ્યામાં પાંચ અથવા સાત સભ્યોની નિમણૂક કરી સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી સ્વતંત્ર રીતે ચૂંટણીની તારીખ નક્કી કરવાથી લઈ તમામ નિર્ણયો કરવાની આ ચૂંટણી પંચને સતા આપવામાં આવશે.

આ અંગે મોરબી સિરામીક એસોસિએશનના વોલ ટાઇલ્સ વિભાગના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી ભવિષ્યના વિઝનને ધ્યાને લઇ યોજાશે અહીં અમારા સંગઠનમાં અન્ય ચૂંટણીઓની જેમ વાદ, વિવાદ, આક્ષેપોને કોઈ અવકાશ નથી. અહીં માત્ર ઉમેદવારના વિઝન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી સિરામીક ઉદ્યોગનો કેમ વિકાસ થાય અને કેમ ઓછી મુશ્કેલીઓ પડે તે બાબત જ કેન્દ્ર સ્થાને હોય છે.આજે ચૂંટણી પંચની રચના બાદ આગામી આઠથી દસ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે તેવા સંકેતો પણ તેમને અંતમાં આપ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text