સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 11 

- text


માયાવી નગરી મુંબઈ પ્રસ્થાન,પ્રથમ આર્ય સમાજની સ્થાપના,૧૦ નિયમો,એક રાત માટે ટંકારા આગમન : અંક ૧૧

મહર્ષિ અલીગઢ,વૃંદાવન,મથુરા,કાશી સહિત અનેક હિન્દુ ધર્મનાં સ્થાનમાં જાય છે.પણ એ બધે સ્થળે સાચા ​સનાતન ધર્મ ઉપર વિપ્લવકારી વ્યાખ્યાનો દીઠા.ફરતા ફરતા મહર્ષિ અલાહાબાદ ગયા અને ત્યાં ૧૮૭૪ના સપ્ટેમ્બરની આખર સુધી રહ્યા.ત્યાંથી ઋષિ મુંબઈના કેટલાક અગ્રગણ્ય હિન્દુઓના આમંત્રણને સ્વીકારી,નાશિક અને જબલપુર થઈ, મુંબઈ પહોંચ્યા.૧૮૭૪ના નવેમ્બર માસમાં મહર્ષિએ માયાવી નગરી હાલનું મહારાજનગરમાં પહેલી જ વાર પગ મૂક્યો.

મુંબઇ એ વખતે આખા ઈલાકાનું વાણિજ્યનું મથક બની ચૂક્યું હતું અને વેપારી વર્ગનો મોટો ભાગ,થોડા પારસીઓ સિવાય,વલ્લભાચાર્યના અનુયાયી હિન્દુઓનો હતો.એ કાળમાં વલ્લભ પંથનું પતન થયું હતું.એના આચારવિચારમાં અનાચારનું વિષ પ્રસરી ગયું હતું.અને એની સામે બંગાળના બ્રહ્મોસમાજની જેમ મુંબઈમાં પણ પ્રાર્થનાસમાજને નામે સુધારક પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી.એ વખતે દયાનંદએ મુંબઈમાં ઉતરી વેદધર્મનાં પ્રવચનો કરવા માંડ્યાં,અને વલ્લભપંથના પંડાઓને નીડરતાપૂર્વક નિન્દવા માંડ્યાં.દયાનંદની યુદ્ધ-વાણી સાંભળી બીજા સ્થળોએ સ્થિતિચૂસ્ત વર્ગમાં જબરો ખળભળાટ મચી રહેતો, તેમ મુંબઈમાંયે વલ્લભ-ઘેલા વૈષ્ણવો માટે ક્ષોભ થયો.બીજા સ્થળોએ જેમ સ્વામીના શિર ઉપર ઈંટા અને પથરાનો વરસાદ વરસતો,તેમ મુંબઈમાં પણ એવો વરસાદ વરસ્યો; ઉપરાંત મહર્ષિના મસ્તક ઉપર નરકની નીકો ખુલ્લી મૂકાઈ અને કેટલાક ધર્મ ઝનુનીઓએ તો એ યોગી પુરૂષને ઝેર પાઈ તેનો જાન લેવાનો પ્રયત્ન કર્યો.દયાનંદએ એ બધા હુમલાને હસ્તે મુખે પુષ્પવૃષ્ટિની જેમ વધાવી લીધા.આદિત્ય બ્રહ્મચારી મહર્ષિ પોતાને ખવરાવાયેલું ઝેર પણ સુખેથી પચાવી ગયા.આમ એક નિષ્ફળતા પછી બીજી નિષ્ફળતા મેળવવાજ મુંબઈના પુરાણમાર્ગી પંડિતોએ ઝંડાધારીની સામે ચોવીસ સવાલોવાળી એક નનામી પત્રિકા પ્રસિદ્ધ કરી.એ પત્રિકા દુર્લક્ષ કરવાને લાયક હતી,છતાં દયાનંદે એમાંના બધા સવાલોના જવાબ દીધા.અને પંડિતોનાં મુખ બંધ કરી દીધાં.

મુંબઈમાં મહર્ષિ બે માસ રહ્યા, દરમ્યાન તેમનાં વ્યાખ્યાનોએ અને રૂઢિધર્મ ઉપરના તેમનાં સમક્ષ આક્રમણોએ નવા તૈયાર થતા સુધારક પક્ષને ખૂબ જોર આપ્યું.ત્યારબાદ મહર્ષિ થોડા દિવસ અમદાવાદ અને રાજકોટ જઈ આવ્યા, કહેવાય છે કે મહર્ષિ રાજકોટથી એક રાત તેમના વતન ટંકારા જઈ આવેલા. (રાજકોટ સત્સંગ વખતે વાધજી ઠાકોરને મળે છે એ આવતીકાલના અંકમાં આવશે) એમ પણ કહેવાય છે કે મહર્ષિની એક મહેચ્છા તો તેમની સુધારક પ્રવૃત્તિઓની શરૂઆત તેમની જન્મભૂમિકા કાઠિયાવાડમાં કરવાની હતી, એટલા માટે જ તે રાજકોટ તરફ ગયેલા, પણ તેમને કાઠિયાવાડમાં જરાયે અનુકૂળ વાતાવરણ ન દેખાયું. એટલે દયાનંદ ૧૮૭૫ના જાન્યુઆરીની ૧૮મી તારીખે પાછા બીજી વખત મુંબાઈ આવ્યા,મહર્ષિએ ત્યાર પછી જન્મભૂમિ તરફ – કાઠિયાવાડ તરફ, તેમના જીવનમાં, ફરીવાર પગલાં કર્યા જ નહીં.

હરદ્વારના મેળામાંથી હતાશ થઈ વધુ સામર્થ્ય માટે અરણ્યમાં ચાલી નીકળેલા મહર્ષિના બીજી વારના પ્રયત્નોનો પણ એક દશકો પૂરો થવા આવ્યો. મહર્ષિએ અજબ હિંમતથી અને અદ્વિતીય ચાતુર્યથી તેમનો વેદ-સંદેશ ગામેગામ પ્રચાર્યો.મહર્ષિએ હિન્દુ ધર્મનાં તીર્થધામોમાં જઈ વિવાદો ચલાવ્યા, પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યા, મહર્ષિએ મૂર્તિપૂજાને તુચ્છકારી કાઢી અને એક ઈશ્વર અને એક ધર્મશાસ્ત્રના સનાતન સત્યની ​ઘોષણા કરી. એકલો માણસ જેટલું કરી શકે તેટલું બધુંયે શુધ્ધચૈતન્યે એક દશકા સુધી કર્યું. એ સંચલનથી મહર્ષિએ પુરાણધર્મની ઇમારતના પાયા ડોલાવી મૂકવાની આશા રાખેલી, પણ એ પાયા ઉંડા નીકળ્યા. અવની અને આકાશ એક કરી શકે એવા અમાનુષી શક્તિશાળી પુરૂષથી પણ ન ડગમગે એટલા ઉંડા અને સુદૃઢ એ પાયા હતા પણ દયાનંદએ એ ઈમારતને જમીનદોસ્ત કરવાનો જીવનધર્મ સ્વીકાર્યો હતો.એટલે તેમણે તેમનો હલ્લો વધારે સમર્થ બનાવી નવો માર્ગ શોધવા માંડ્યો.

અત્યારસુધીના મહર્ષિના નિરંતર પ્રવાસે અને દેશમાં પ્રસરતી જતી વિધવિધ સુધારક પ્રવૃત્તિઓના એમના પરિચયે મહર્ષિને કેટલાયે નવા અનુભવો આપેલા. મહર્ષિએ એમના જેવું કાર્ય હાથ ધરી રહેલા બંગાળના બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજ જોયા, તેમના સ્થાપકની અને સંચાલકોની કાર્યપ્રણાલી જોઈ,એ બધા ઉપરથી મહર્ષિને લાગ્યું કે તેમનું જીવનકાર્ય પાર ઉતારવા અને ભવિષ્યમાં એ જુસ્સો ટકાવી રાખવા એક સંસ્થા જોઈએ. મહર્ષિના એ વિચારને પરિણામે ૧૯૭પના એપ્રીલ માસની ૧૦મી તારીખે “મુંબાઈમાં આર્યસમાજની સ્થાપના કરી” મુંબઈના પ્રજાજનોની જાહેરસભાએ આર્યસમાજના અઠ્ઠાવીશ નિયમો નક્કી કર્યા.એ નિયમોમાં ૧૮૭૭માં સ્વામી હસ્તે સુધારાવધારા થયા પછી,આજે આર્યસમાજમાં નીચેના દસ સિદ્ધાન્તોનું શાસન ચાલે છે.

- text

૧. સર્વ સત્યવિદ્યા અને જે વસ્તુઓ સત્યવિદ્યાથી જાણી શકાય છે તે બધાનું આદિ મૂળ પરમાત્મા છે.

ર. ઈશ્વર સચ્ચિદાનન્દ સ્વરૂપ,નિરાકાર,સર્વ શક્તિમાન,ન્યાયકારી,દયાવન્ત,અનન્ય,નિર્વિકાર,અનાદિ,અનુપમ,સર્વાધાર,સર્વેશ્વર,સર્વવ્યાપક,સર્વાન્તર્યામી, અજર,અજર,અમર,અભય,નિત્ય,પવિત્ર અને સૃષ્ટિનો સરજનહાર છે.પરમેશ્વર એક જ ઉપાસનીય છે.

૩. વેદ સર્વ સત્ય વિદ્યાઓનો ગ્રંથ છે. વેદનો પાઠ કરવો અને કરાવવો,વેદનું શ્રવણ કરવું અને કરાવવું એ પ્રત્યેક આર્યનો ધર્મ છે.

૪. સત્યનો સ્વીકાર કરવામાં અને અસત્યનો ત્યાગ કરવામાં સદા તત્પર રહેવું ઘટે.

૫. દરેક કામકાજ ધર્માનુસાર એટલે સત્યાસત્યનો વિચાર કર્યા પછી જ કરવું ઘટે.

૬. સંસારનું કલ્યાણ કરવું એટલે ચેતન માત્રની શારીરિક, સામાજીક અને આત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવા એ આ સમાજનો મુખ્ય ઉદેશ છે.

૭. પ્રેમ, ધર્મ અને ન્યાય અનુસાર સર્વની સાથે વર્તવું.

૮. અવિદ્યાનો નાશ કરવો અને વિદ્યાની વૃદ્ધિ કરવી.

૯. કોઇએ માત્ર પોતાની અંગત ઉન્નતિમાં સંતોષ નહિ માનવો જોઇએ, પરંતુ સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઇએ.

૧૦. સમષ્ટિના હિતને અર્થે સમાજના જે નિયમો હોય તેનું સૌએ પાલન કરવું ઘટે; પરંતુ જે નિયમો માત્ર વ્યક્તિના હિતને સ્પર્શતા હોય તેના પાલનમાં પ્રત્યેક મનુષ્યને સ્વતંત્રતા હોવી જોઇએ.

એવા પવિત્ર સિદ્ધાંત સાથે,મુંબઈમાં આર્યસમાજનું પ્રથમ બીજ રોપાયું.એ બીજમાંથી આજે આખા આર્યાવર્તમાં તેની શાખાઓ અને ઉપશાખાઓ પ્રસારતું એક પ્રચંડ વૃક્ષ નીકળ્યું છે.એ વૃક્ષની કોઇ કોઇ શાખા તો દુનિયાના બીજા ખંડોમાં યે પહોંચી છે. એની છાયા નીચે – આર્યસમાજના આશ્રય નીચે આજે લાખોની સંખ્યામાં હિન્દુ નરનારીઓ તેમના ધર્મની, તેમની કોમની, તેમના દેશના ઉદ્ધારની અનેકવિધ પ્રવૃત્તિઓ અથાક કરી રહ્યા છે. એજ મહર્ષિનું જીવનકાર્ય હતું. એના પાયા મુંબઇમાં નખાયા.હવે શિવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આવતી કાલથી ઝંડાધારી દયાનંદ ગુજરાતમાં આવે છે અને અહિના અનુભવો ઉપરાંત કોણે કોણે મળે છે એ બધી વાતો વિસ્તારથી ચર્ચા કરીશું. ક્રમશઃ….

- text