મોરબી સિરામીક એસોશિએશનના પ્રમુખ પદેથી નિલેશભાઈ જેતપરિયાનું રાજીનામુ

- text


સતત ત્રણ ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા નિલેશભાઈએ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કર્યું

નિલેશભાઈએ એસોશિએશનના બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું : ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત

મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનું સ્થાન ધરાવતા મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા અને પ્રતિષ્ઠાભર્યા મોરબી સિરામીક એસોશિએશનના વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદેથી આજે નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામુ ધરી દઈ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કરતા સિરામીક જગતમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જો કે, ઉપ પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે નિલેશભાઈએ બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું છે અને તેમનો સાથ સહકાર હંમેશા મળતો રહેશે તેવું જણાવ્યું હતું.

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામાં અંગે મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 31 માર્ચે પ્રમુખ તરીકે મુદત પૂર્ણ થઈ રહી હોય સ્વૈચ્છીક રીતે જ રાજીનામુ આપ્યું છે જેથી નવી યુવા પેઢીને સ્થાન મળી શકે, ઉપરાંત નિલેશભાઈએ ગેસ, એક્સપોર્ટ, એન્ટી ડંપિંગ ડ્યુટી સહિતની તમામ બાબતો માટે હર હમેશ જાગૃત બની સક્રિયપણે એસોસિએશનને સાથ સહકારની ખાતરી આપી હતી.

નિલેશભાઈના રાજીનામાં અંગે એસોસિએશનના ઉપ પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે, એસોસિએશનના બંધારણ મુજબ ત્રણ ટર્મ સુધી જ પ્રમુખ રહી શકાતું હોય નિલેશભાઈએ 15 દિવસ આગાઉ રાજીનામુ આપ્યું હતું જે કમિટીએ તા.13ના રોજ મંજુર કર્યું છે અને હરહંમેશ એસોસિએશનને નિલેશભાઈનો સાથ સહકાર મળતો રહેશે તેમ ઉમેર્યું હતું.

નિલેશભાઈ જેતપરિયાએ આપેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ ટર્મથી તમે મને પ્રમુખ તરીકે જે રીતે બિનહરીફ ચુંટીને તમારી લાગણી વ્યકત કરી તે બદલ હું તમારો આભારી અને રૂણી છુ. મે જ્યારે પહેલી વખત પ્રમુખની જવાબદારી સંભાળેલ ત્યારે મે કહેલ કે જે રીતે હિન્દુ રાજાઓ રાજ્યાભિષેક કરતા તેવી રીતે આપણે પ્રમુખમા બીજાને બેસાડીશુ. આ સાથે જ આગામી સમયમા મારો કાર્યકાળ પુરો થાય છે અને મારી અંગત જવાબદારીઓને કારણે હવે મારે આગળ સ્વૈચ્છિક રીતે કાર્યકાળ પુરો કરીને આ જવાબદારીમાથી નિવૃત થવુ છે.

- text

વધુમાં દરેક મેમ્બરોને સંબોધી જણાવાયું છે કે, આ ટ્રેડના હિતમા નવા પ્રમુખ તરીકે વરણી કરવા માટેની તૈયારી કરવી જોઇએ .આપ સર્વે મિત્રોને ખાસ જણાવવાનું કે આપણા એસોશિએશનનુ કદ મોટુ હોઇ હવે દેશ વિદેશોની પોલીસી તેમજ સરકાર, વહિવટીતંત્ર, અધિકારીઓ તેમજ સામાજીક રીતે પણ સંબંધો સાથે આગળ વધવાનુ હોઇ આશા રાખુ છુ કે નવા પ્રતીનિધીત્વમા એજ્યુકેટેડ અને નવયુવાન પ્રમુખ આવે. અને એસોશિએશનને દરરોજના અડધા દિવસ આપવાની તૈયારી સાથે આવે જેથી કરીને આ ટ્રેડને ન્યાય આપી શકાય.

વધુમાં તેઓએ ઉમેર્યું છે કે, આપે આપેલ પ્રેમને હુ કયારેય ભુલી શકીશ નહી સાથો – સાથ મને કુંડારીયા સાહેબ, પ્રફૂલભાઇ, કિરીટભાઇ , મુકેશભાઇ ઉઘરેજા, તેમજ કિશોરભાઇ, મુકેશભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ભાડજાની સાથે રહીને કામ કરવા માટે તેમનો જે પ્રેમ મળ્યો તે પણ યાદી રૂપે રહેશે .

આ ટ્રેડ વિશ્વના પ્રથમ સ્થાને પહોચવા માટે બહુ દુર નથી ત્યારે આવનાર પડકારો, કાયદાકીય જ્ઞાન, વૈશ્વિક વેપાર સમજણ તેમજ નેતૃત્વ કરી શકે તેવા પ્રમુખ ને આ ટ્રેડ ને જરૂરીયાત હોઇ આપ સર્વે ને મારા નમ્ર વિનંતી છે કે આવનાર પ્રમુખ પોતાના અંગત સ્વાર્થથી પર રહી અને ટ્રેડના હિત માટે આવે અને આપણે પણ વાદવિવાદથી દુર રહી આવી વ્યકિતને પ્રમુખ માટે આમંત્રીત કરવી જોઇએ ત્યારે ફરીથી આપે આપેલ પ્રેમને હુ કયારેય ભુલી શકીશ નહી અને આવો સાથે રહીને આ ટ્રેડના દીર્ધદ્રષ્ટિ નેતૃત્વ કરે તેવા વ્યકિતને પ્રમુખપદે બેસાડીને ટ્રેડની ગરીમાને અને મોરબીના સિરામીક ઉધોગના વિકાસને આગળ લઇ જવા કટીબધ્ધ થઇએ એવું અંતમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું છે.

- text