મોરબી હાઇવે રક્ત રંજીત : સર્વિસ રોડ ઉપર ચડતા જ કાળ રૂપી કાર યુવાનને ભરખી ગઈ

- text


રફળીયા નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા પાનેલીના યુવાનનું મોત

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર દરરોજ અનેક જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે ગઈકાલે રફળીયા નજીક સર્વિસ રોડ ઉપરથી પાનેલી તરફ જવા બાઈક રોડ ઉપર ચડાવતા જ કાર ચાલક કાળ બનીને આવતા બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર ગઈકાલે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પાનેલી ગામે રહેતા કરણભાઇ શિવાભાઈ ખાણધર, ઉ.૩૬ નામનો યુવાન પોતાનું હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી. નં. GJ-03-CF-2235 લઇ રફાળીયા ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટથી પાનેલી તરફ જવા માટે આવતો હતો ત્યારે રોડ ઉપર ચડતા જ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતના આ બનાવ અંગે પાનેલી ગામે નવા પ્લોટમાં રહેતા મૃતકના પિતા શીવાભાઇ ડાહ્યાભાઇ ખાણધરે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text