મોરબીની જનતાને શ્રેષ્ઠ સુવિધા આપવાનો એક્શન પ્લાન જાહેર કરતા નવા ચીફ ઓફિસર

- text


 

  • બાળકોને રમત-ગમતના મેદાન અને સાધનો મળે તે માટેના પ્રોજેક્ટ શરૂ કરાશે : નવા ગ્રીન ઝોન, ઓક્સિજન પાર્ક પણ ઉભા કરાશે

  • રૂ. 1 લાખથી ઉપરના બાકીદારોને પણ આગામી દિવસોમાં નોટિસ પાઠવીને વેરો વસૂલવામાં આવશે

  • ડ્રેનેજ, પીવાનું પાણી, ફાયર સેફ્ટી, લાઈટિંગ, રોડ અને વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધા અસરકારક બનાવવાના સતત પ્રયાસો કરાશે

મોરબીઃ મોરબી નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ ચાર્જ સંભાળ્યો છે. મૂળ લિંબડી તાલુકાના સમલા ગામના વતની અને 2009થી ચીફ ઓફિસર તરીકે અલગ અલગ નગરપાલિકામાં કાર્યરત સંદિપસિંહ વી. ઝાલાએ મોરબી અપડેટ સાથે ખાસ વાતચીત કરી હતી. જેઓએ વાતચીત દરમિયાન મોરબી શહેરમાં તમામ પ્રકારની સુવિધાઓ વધુ શ્રેષ્ઠ બને તે માટે આગામી દિવસોમાં કાર્ય કરવાની ખાતરી આપી હતી.

મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં નવનિયુક્ત ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા યુનિક વિસ્તાર છે. જ્યાં ગ્રામ્ય વિસ્તારની પણ સદ્ધરતા છે. આ ઉપરાંત અહીં બહારથી વર્કફોર્સ આવીને પણ રોકાયેલો છે જેથી મોરબીના રિસોર્સિસમાં વધારો કરવો જરૂરી છે. આ ઉપરાંત ડ્રેનેજ, પીવાના પાણીની સગવડમાં વધારો, હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ, માર્ગ સલામતી માટે લાઈટિંગ, ટ્રાફિક સમસ્યા માટે રોડની સુવિધા, વરસાદી પાણીનો નિકાલ વગેરે સુવિધાઓ વધારવી અત્યંત જરૂરી છે. વસતી ગિચતા વધી રહી છે. જેને લઈને આ તમામ સમસ્યાઓનો સામનો જનતાને કરવો ન પડે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

- text

આ ઉપરાંત નવા ચીફ ઓફિસરે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બાળકોને રમત-ગમતના મેદાન અને સાધનો મળે તે માટેના પ્રોજેક્ટ પણ હાથ ધરાશે. આ ઉપરાંત નવા ગ્રીન ઝોન, ઓક્સિજન પાર્ક પણ ઉભા કરાશે. ઘરનો ગ્રીન કચરાનો પણ યોગ્ય નિકાલ કરવા ચીફ ઓફિસરે જનતાને અપીલ કરી હતી. અને જ્યાં કચરો લેવા માટે ગાડી નથી આવતી તેવા વિસ્તારોની માહિતી મેળવી ત્યાં પણ આગામી દિવસોમાં આ સેવા શરૂ કરાશે. મોરબી શહેરમાં નવા બગીચાઓના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

રૂ.1 લાખથી ઉપરના બાકીદારોને પણ આગામી દિવસોમાં નોટિસ પાઠવીને વેરો વસૂલવામાં આવશે તેમ નવનિયુક્ત ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

- text