કંસારા જ્ઞાતિને ઓ.બી.સી.માં સમાવવા ટંકારાના કંસારા સમાજની માંગ

- text


આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા : કંસારા જ્ઞાતિને ઓ.બી.સી.માં સમાવવા માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તુષાર કંસારા, પાર્થ કંસારા દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપી માગણી કરાયેલ છે.

આ આવેદનપત્રમાં જણાવેલ છે કે આખા ગુજરાતમાં થઈને કંસારા જ્ઞાતિની ફક્ત ૬૦ હજારની વસ્તી છે. તેમાં ગુજરાતી હાલારી, ગોહિલવાડી, કચ્છી, સુરતી, મારૂ, વિસનગરી સહિત તમામ પેટા જ્ઞાતિનો સમાવેશ થઈ જાય છે. દિવસેને દિવસે કંસારા જ્ઞાતિ આર્થિક રીતે બેરોજગાર તથા શૈક્ષણિક રીતે પછાત થઈ રહેલ છે. આથી, કંસારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, ઉચ્ચ શિક્ષણ માટે સરકાર દ્વારા અપાતી લોન, સહાય મેળવી શકે તથા રોજગાર મેળવી શકે તે માટે ઓ.બી.સી.માં સમાવેશ કરવાની માંગણી કરાઈ છે.

- text

વધુમાં, કેન્દ્ર સરકારે 102મો બંધારણીય સુધારો સર્વાનુમતે મંજુર કરી દરેક રાજ્યને પોતાના રાજ્યની વસ્તીની જ્ઞાતિઓમાંથી કઈ જ્ઞાતિને ઓબીસીની યાદીમાં સમાવેશ કરવી, તેની સત્તા રાજ્યોને સુપ્રત કરી છે. પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત 18 રાજ્યમા કંસારા જ્ઞાતિનો ઓ.બી.સી.માં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી, કંસારા જ્ઞાતિનો ઓ.બી.સી.માં સમાવેશ કરવાની માગણી કરાઈ છે.

કંસારા, સોની, લુહાર (પંચાલ), સુથાર (મિસ્ત્રી) બધા કારીગર વર્ગ છે. કંસારા મુખ્યત્વે તાંબા, પિત્તળ, કાંસાના વાસણો બનાવનાર કારીગર વર્ગના છે છતાં ઓ.બી.સી.માં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેથી, કંસારા જ્ઞાતિ અન્યાયની લાગણી અનુભવે છે.

- text