મોરબી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના બાળકને એક્સપાયર દવા ધાબડી દેવાઈ 

- text


સિવિલ હોસ્પિટલના અધિકારીએ સ્ટાફે ભૂલથી દવા આપી દીધી હોવાનું જણાવી ફરી ભૂલ ન થાય તે માટે કડક સૂચના આપી

મોરબી : મોરબી જિલ્લાની સૌથી મોટી અને હજારો દર્દીઓ માટેની મહત્વપૂર્ણ આરોગ્ય સેવા સમાન મોરબીની સિવિલ હોસ્પિટલમાં એટલો બધો અંધેર વહીવટ ચાલે છે કે દર્દીઓને સારવારના નામે માત્ર ડામ જ મળે છે. સિવિલ હોસ્પિટલ તંત્રની લાલીયાવાડી ફાટીને એટલી હદે ધુમાડે ગઈ છે કે, હોસ્પિટલના સ્ટાફે માસૂમ બાળકને એક્સપાયર દવા ધાબડી દીધી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના અધિકારીએ આરોગ્ય સામે ગંભીર ચેડાં સમાન ઘટનાની તપાસ કરવાની કેસેટ વગાડી છે.

મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ફરી એક અક્ષમ્ય બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં મોરબીમાં જ રહેતા અંશ મહેન્દ્ર નામના દોઢ મહિના બાળકને ગઈકાલે પેટમાં દુખાવો થતા આ બાળકને લઈને તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા અને બાળકને ડોક્ટરને બતાવી તેમણે લખી આપેલી દવા લેવા બાળકના પરિવારજનો હોસ્પિટલની દવાબારીએ ગયા હતા. જ્યાં જવાબદાર સ્ટાફે આ બાળકના પરિવારજનોને જે દવા આપી હતી. એ ચેક કરતા એક્સપાયરી ડેટવાળી દવા હોવાનું સામે આવ્યું હતું. જેમાં સિવિલના જવાબદાર સ્ટાફે મેં 2021 એટલે આજથી આઠ મહિના પહેલાની એક્સપાયર થયેલી દવા ધાબડી દીધી હતી.

- text

બાળકના પરિવારજનો જાગૃત અને શિક્ષિત હતા કે, જેમણે દવા બાળકને પીવડાવતા પહેલા દવાની એક્સપાયર ડેટ ચેક કરી હતી.જો ચેક ન કરી હોત અને આ દવાનો ઉપયોગ કર્યો હોત તો બાળકનો આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની ભીતિ હતી. જો કે ઘણા લોકો ચેક કર્યા વગર જ વિશ્વાસે દવાનો ઉપયોગ કરી લેતા હોય છે. ત્યારે આ ગંભીર ઘટના મામલે સિવિલના આર.એમ.ઓ. સરડવાએ જણાવ્યું હતું કે કદાચ ભૂલથી આ દવા આવી ગઈ હશે. આ એક્સપાયર થયેલી દવાનો સ્ટોક જ નથી.હાલ નવી દવાનો જ સ્ટોક છે. એટલે એકાદ જૂની દવા પડી ગઈ હોય ભૂલથી આપી દેવાય હશે.પરંતુ આ બાબતે સ્ટાફને સૂચના આપી ફરી ભૂલ ન થાય તેવી તાકીદ કરી છે.

- text