મોરબી માંગે મહાનગર : વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોરબી મહાનગરપાલિકાના દરજ્જા માટે યોગ્યતાને પાત્ર

- text


મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની વસ્તી 4 લાખથી વધુ : 2014માં સરકારે મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે વિગતો પણ મેળવી હતી ! પરંતુ ત્યાર બાદ કોઈ આગળ કાર્યવાહી ન થઈ

મોરબી : મોરબી માંગે મહાનગર પાલિકા ઝુંબેશ અંતર્ગત મોરબી અપડેટ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત સરકારના શહેરી વિકાસ વિભાગે વર્ષ 2014માં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા યોગ્ય છે કે કેમ તે અંગેનો સર્વે વિગતો માંગી બાદમાં આ ફાઈલ સચિવાલયના કોઈ ખૂણામાં ધરબી દેવામાં આવી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીની નેતાગીરી દ્વારા વર્ષ 2008થી સતત મોરબીને મહાનગર પાલિકામાં રૂપાંતર કરવા મુદ્દાસરની રજુઆત કરવામાં આવી રહી હોવાનું સત્ય બહાર આવ્યું છે.

વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ હાલમાં મોરબી મહાનગર બનાવને સંપૂર્ણ યોગ્ય છે. જો મોરબીના ઔદ્યોગિક વિકાસ અને આ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની ગંણના કરવામાં આવે તો મોરબીની વસ્તી ક્યાંય પહોંચે તેમ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ મોરબી શહેરની વસ્તી 2,02,010 હતી જેમાં પ્રતિવર્ષ 3000થી 5000ની વસ્તી વધે છે તે જોતા હાલમાં મોરબી શહેરની વસ્તી જ 2,70,000નો આંકડો વટાવી ચુકી છે. જો મોરબીની મહાનગરમાં રૂપાંતર કરવામાં આવે તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કે જે હાલ મોરબીમાં જ સમાવિષ્ઠ છે તેની વસ્તી ગણવામાં આવે તો આ આંકડો 4 લાખને પર કરી જાય છે.

હાલમાં મોરબીમાં જ સમાઈ ગયેલા રવાપર ગામની વસ્તી 40,000, અમરેલીની 7 હજાર, ધરમપુર 3000, નાની વાવડીની 4 હજાર, માધાપર (ઓજી)ની 1500, ત્રાજપરની 23,000, મહેન્દ્રનગરની 15000, લાલપર 7000, લીલાપર 3500, પીપલી 2500, પંચાસર 2500, માળીયા વનાળિયાં 4000, રાજપર 3000, ભડીયાદ 3500 અને શનાળા ગામની 8000 મળી 1,27,500થી વધુ વસ્તી થાય છે. આ ઉપરાંત મોરબીમાં રહેતા પરપ્રાંતીય અને રાજ્યના જ અન્ય જિલ્લાના લોકોની વસ્તી ઉમેરવામાં આવે તો મોરબીનો વસ્તીવ્યાપ મહાનગર પાલિકાને પણ વટાવી જાય તેમ છે.

- text

બીજી તરફ વૈશ્વિક સીરામીક હબ ગણાતા મોરબી શહેરને સુવિધા આપવામાં મોરબી પાલિકાનો પન્નો હાલમાં ટૂંકો પડી રહ્યો છે. વસ્તીના પ્રમાણમાં પાલિકા પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ટાઉન પ્લાનિંગ, ફાયર બ્રિગેડથી, સેનીટેશન, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, વોટર વર્કસ, ટેક્સ, સહિતની બાબતોમાં હાથ વગા હથિયાર તરીકે જુના અને અનક્વોલિફાઇડ સ્ટાફથી મોરબીને પ્રાથમિક સુવિધા આપવા પ્રયાસ કરવામાં આવે છે પરંતુ તેમાં નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ રહી હોવાનું શહેરીજનો અનુભવ કરી રહ્યા છે.

જો મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે તો કમિશનર તરીકે આઈએએસ અધિકારી મુકવામાં આવતા શહેરની સુવિધા, સુખાકારી માટે વિશેષ કુશળ વ્યક્તિના માર્ગદર્શનથી લોકોને માળખાગત સુવિધાથી લઈ અનેક સવલતો મળી શકે. ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની સાથે-સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર, ટેક્સ ઓફિસર, એકાઉન્ટન્ટ, વિવિધ વિભાગો માટે નિપુણ અને ક્વોલિફાઈડ ઈજનેર, ડ્રેનેજ સ્ટાફ, આરોગ્ય અધિકારી અને અલગ આરોગ્ય વિભાગ, ભેળસેળ રોકવા ફૂડ ઇન્સ્પેકટર અને મોરબીના આડેધડ થતા બાંધકામો ઉપર રોક લાવવા અને પહોળા રસ્તા બને તે માટે ટાઉન પ્લાનર પણ મળી શકે.

જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માટે વિવિધ વિભાગો અને નગરપાલિકા પાસેથી મોરબી શહેરને લગતી બાબતો અંગે માહિતી માંગી હતી પરંતુ આ માહિતી મંગાયા બાદ શહેરી વિકાસ વિભાગે આ ફાઈલ સચિવાલયના કોઈ ખૂણામાં ધરબી દીધી હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. જો કે મોરબી ભાજપ સંગઠનના શહેર અને જિલ્લા પ્રમુખ દ્વારા વર્ષ 2008થી સતત અને સતત મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે તે માટે નિયમિત રીતે રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ આ રજૂઆતો માત્રને માત્ર ફાઈલો વચ્ચે જ રહી હોય વહે તમામ મોરબીયન મોરબી માંગે મહાનગર સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા આ ઝુંબેશને વેગવંતી બનાવે તેવી વિશેષ અને ભાર પૂર્વકની અપીલ મોરબી અપડેટ કરી રહ્યું છે.

- text