હળવદ પંથકની યુવતી અને પરિણીતા બે બાળકો સાથે ગુમ

- text


મોરબી ખાતે ખાનગી કંપનીમા સાથે કામ કરતી પરિણીતા અને યુવતી પાંચ જાન્યુઆરીથી લાપતા

હળવદ : હળવદના કડીયાણા ગામની અપરણિત યુવતી અને પાંડાતીરથ ગામની પરિણીતા પોતાના બે બાળકો સાથે તા.5ના રોજ ઘરેથી લાપતા બનતા બન્નેના પતિવારજનો દ્વારા પોલીસમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે. નોંધનીય છે કે, લાપતા પરિણીતા અને યુવતી બાજુબાજુના ગામમાં જ રહે છે અને મોરબી ત્રાજપરની ખાનગી કંપનીમા સાથે જ કામ કરતી હોવાનું સામે આવ્યું છે.

પરિણીતા અને અપરણિત યુવતી લાપતા બનવા અંગેના આ અજુગતા બનાવની વિગત જોઇએ તો ગત તા.5ના રોજ કડીયાણા ગામની અપરણિત યુવતી હેતલબેન ગોરધનભાઈ પારઘી અને પાંડાતિરથ ગામના પરિણીતા સોનલબેન રાજેશભાઈ ઝીંઝુવાડીયા ઘેરથી પ્લેજર મોટર સાયકલ લઈ સોનલબેનના પુત્ર દિવ્યાંગ અને પુત્રી અપેક્ષાના કપડા લેવા જવા ઘેરથી નીકળ્યા બાદ આજદિન સુધી પરત ન આવતા પોલીસમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.

- text

વધુમાં હેતલબેનના પિતાએ પોલીસ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તા.5ના રોજ તેમની દીકરી અને પાંડાતીરથ ગામના સોનલબેન હળવદના મોરબી નાકે મળતા વહેલા સર ઘરે જવા પણ કહ્યું હતું. જો કે, હળવદ કામ માટે જવું છે તેમ કહી હેતલબેનને સાથે લઈ નીકળેલા સોનલબેન પોતાનું પ્લેજર મોટર સાયકલ ગેરેજમાં રીપેરીંગ કરવા મૂકી ત્યાંથી ગુમ થઈ ગયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સોનલબેન અને હેતલબેન બન્ને મોરબી ત્રાજપર ખાતે આવેલ સોના કંપનીમાં સાથે કામ કરે છે અને છેલ્લા ચારથી પાંચ વર્ષથી બન્ને પરિચયમાં હોવાનું પણ જાણવા મળે છે ત્યારે આ અજુગતા બનાવને લઈ હાલમાં પોલીસ અને પરિવારજનો લાપતા બનેલ ચારેય વ્યક્તિને શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે.

- text