આલાપ રોડ ઉપર છ મહિનાથી પાણી ન આવતા મહિલાઓ રણચંડી બની

- text


પોશ વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાતા મહિલાઓનું પાલિકામાં હલ્લાબોલ

મોરબી : મોરબીના પોશ ગણાતા આલાપ રોડ વિસ્તારની સોસાયટીઓમાં છ મહિનાથી પાણી આવતું ન હોય છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આ સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓના ટોળાએ નગરપાલિકા કચેરીએ ઘસી જઈને મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાણી સહીત પ્રાથમિક સુવિધાના અભાવ મામલે ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ન્યુ આલાપનગર અને પટેલનગર સોસાયટીના પાણી પ્રશ્ને આ સોસાયટીની મહિલાઓનું ટોળું આજે મોરબી નગરપાલિકા. કચેરીએ રજુઆત કરવા દોડી ગયું હતું. જેમાં મહિલાઓએ નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખના પતિને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ગંભીર છે. તેમાંય છેલ્લા છ મહિનાથી પાણી આવતું જ નથી. આથી મહિલાઓને પાણીના ટેન્કર મંગાવવા પડે છે અને ઘણા સમયથી સ્થાનિક લોકોને પાણી વેચાતું લેવું પડે છે. જો કે બાજુની આલાપ સોસાયટીમાં ફૂલ ફોર્સથી પાણી આવે છે. પણ ન્યુ આલાપ સોસાયટીમાં પાણી સદંતર આવતું ન હોવાથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

મહિલાઓ પાણી પ્રશ્ને સ્થાનિક નગરસેવક અને પાલિકામાં પણ અનેક વખત રજુઆત કરી હોવા છતાં દરેક રજુઆત બેઅસર રહેતા પાણી પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. હાલ મચ્છુ ડેમ છલોછલ ભરેલો છે. તેથી.પીવાના પાણીની કોઈ સમસ્યા નડે એમ નથી. આમ છતાં તેમની સોસાયટીમાં છતે પાણીએ વલખા મારવા પડે છે. આ સોસાયટીઓમાં અંદાજે 5 હજારની વસ્તી છે. આથી પાણી ન આવતા આ લોકોને ભારે મુસીબતો ભોગવવી પડતી હોય સતત અડધી કલાક સુધી મહિલાઓ ઉગ્ર રજુઆત કરી હતી. આ ઉપરાંત કચરાના ઢગલા અને બંધ સ્ટ્રીટ લાઈટ તેમજ ખરાબ રોડ રસ્તા મામલે પણ રજુઆત કરી હતી. રોડ એટલી હદે ખરાબ છે કે પ્રસુતિ માટે લઈ જવાથી પ્રસૂતાને સ્થળ ઉપર ડિલેવરી થઈ જાય તેવી રોડની હાલત હોવાનું જણાવ્યું હતું.આ રજુઆત સાંભળીને ઉપપ્રમુખ સહિતનાએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text