માળીયા બ્રાન્ચ કેનાલમાં કુંભારીયા સુધી પાણી પહોંચી અટકી ગયું : ખેડૂતો લડાયક મૂડમાં

- text


છેલ્લા બે વર્ષથી કેનાલમાં માત્ર કાગળ ઉપર જ સફાઈ થતી હોવાથી કાદવ-કીચડ-કચરાના કારણે પાણી આગળ નથી વધતું

મોરબી : નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં પહોંચવા મુદ્દે છેલ્લા બે દિવસથી ચાલતી કાગારોળ વચ્ચે આજે સવારે માળીયા તાલુકાના કુંભારીયા સીમ સુધી પાણી પહોંચ્યા બાદ અટકી જતા ખેડૂતોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ખેડૂત અગ્રણી અને ખાખરેચી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયાએ પાણી ન પહોંચવા પાછળ કેનાલની બે વર્ષથી માત્ર કાગળ ઉપર જ સફાઈ થઇ હોય કાદવ, કીચડ અને કચરાને કારણે પાણી અટકાઈ રહ્યું હોવાનું જણાવી જરૂર પડ્યે આંદોલન છેડવાના મૂડમાં હોવાનું જણાવ્યું હતું.

ચોમાસુ ઢૂંકડું છે ત્યારે નર્મદા યોજનાનો લાભ મેળવતા માળીયા બ્રાન્ચ કેનાલના લાભાર્થી ખેડૂતો દ્વારા પાણી મળવાની આશાએ આગોતરું વાવેતર કર્યા બાદ માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા છે અને આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ 48 કલાકમાં ખેડૂતોને પાણી ન મળે તો આંદોલન છેડવા ચીમકી આપવાની સાથે પ્રભારી મંત્રી, સાંસદ અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા પણ નર્મદા નિગમ અને સરકારમાં સતત રજૂઆતોનો દૌર ચલાવતા આજે સવારે માળીયા કેનાલમાં કુંભારીયા ગામની સીમ સુધી પાણી આવીને અટકી જતા ખેડૂતોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.

બીજી તરફ આજે મોરબી જિલ્લા પંચાયતના ખાખરેચી બેઠકના સદ્સ્ય અને ખેડૂત આગેવાન મહેશભાઈ પારેજીયાએ માળીયા બ્રાન્ચ કેનાલની મુલાકાત બાદ જણાવ્યું હતું કે હાલમાં કુંભારીયા સુધી પાણી પહોંચી અટકી ગયું છે. વધુમાં તેમેણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કેનાલમાં સફાઈ થતી જ નથી માત્રને માત્ર કાગળ ઉપર ટેન્ડર પ્રક્રિયા આટોપી કેનાલની સફાઈ દર્શાવવામાં આવતી હોવાથી હાલમાં કેનાલમાં કાદવ,માટી અને કચરાના ગંજ ખડકાવાની સાથે અનેક જગ્યાએ બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે અને કપાસની સાઠી સહિતનો કચરો પાણીને આગળ વધવા દેતો નથી.

- text

ઉલ્લેખનીય છે કે, માળીયા તાલુકામાં ઘાટીલાથી શરૂ થતી બ્રાન્ચ કેનાલનો લાભ ખીરઈ સુધીના ખેડૂતો મેળવે છે ને આ તમામ ખેડૂતોને પાણી મળે તે માટે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા હળવદ પંથકમાં પાણી ખેંચતા ખેડૂતોના ગેરકાયદે કનેક્શન કાપવાની સાથે વીજ પુરવઠો પણ કાપવામાં આવ્યો છે, પરંતુ આમ છતાં પણ હજુ પાણી ખીરઈ સુધી ન પહોંચતા ખેડૂતો દ્વારા હવે ધરણા સહિતના કાર્યક્રમો આપવા તૈયારી શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text