મોરબી નગરપાલિકા કચેરીમાં જ ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના

- text


મોરબી શહેર અને જિલ્લામાં ફાયર સેફટીના નિયમોની અમલવારી સામે પ્રશ્નાર્થ : ત્રણ મહિનાથી બાટલા એમ જ લટકે છે : તંત્ર કહે છે રિફિલિંગ કરનાર પેઢી સ્ટીકર બદલાવતા ભૂલી ગઈ!

મોરબી : મોરબી શહેરમાં ફાયર સેફટીની અમલવારી કરાવવાની જવાબદારી જેની છે તેવી નગરપાલિકા કચેરીમાં જ ફાયર સેફટીના નિયમોનો ઉલાળિયો કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. મોરબી પાલિકા કચેરીમાં આગની દુર્ઘટના ઘટે તો આગ બુઝાવવા દરેક બ્રાન્ચના પ્રવેશ દ્વાર અને લોબીમાં ફાયર એક્સીગ્યુટર લગાવવામાં આવ્યા છે પરંતુ આ તમામ ફાયર એક્સીગ્યુટર એક્સપાયર ડેટના થઇ ગયા હોવાને ત્રણ મહિના વીતવા છતાં હજુ અગ્નિશમનના સાધનો બદલાવવા તસ્દી લેવામાં આવી નથી.

રાજ્યમાં શાળા કોલેજો અને હોસ્પિટલોમાં આગની દુર્ઘટના સમયે જાનહાની અટકાવી શકાય તે માટે હાઇકોર્ટ દ્વારા ઉપરા-છાપરી ફટકાર લગાવવામાં આવતા રાજ્ય સરકાર ફાયર સેફટી માટે અલાયદો વિભાગ ઉભો કરવાની સાથે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ, શાળા સંકુલો, હોસ્પિટલ, હોટેલ વગેરે જાહેર સ્થળો માટે ફાયર સેફટીના નિયમોની ચુસ્તપણે અમલવારી કરવા આદેશ કર્યો છે.

જો કે, મોરબી નગરપાલિકામાં ફાયર બ્રિગેડ વિભાગમાં ગણ્યા ગાંઠ્યા કર્મચારીઓથી ગાડું રોળવવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના જાહેર શંકુલોમા ફાયર સેફટીના નિયમની અમલવારી થવા સામે પ્રશ્નાર્થ ખડા થયા છે ત્યારે પાલિકા સંકુલમાં જ ફાયર સેફટીના નિયમોની સરાજાહેર હાંસી ઉડાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.પાલિકા કચેરીમાં તમામ બ્રાન્ચની બહાર લોબીમાં ડ્રાય પાવડર ભરેલા ફાયર એક્સીગ્યુટર લટકાવવામાં આવ્યા છે પરંતુ આ તમામ એક્સપાયરી ડેટના હોવાનું સામે આવ્યું છે.

જો કે આ મામલે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરતા દસ દિવસ પહેલા જ કચેરીના તમામ ફાયર એક્સીગ્યુટર બદલી નાખવામાં આવ્યા હોવાનું અને બિલના પુરાવા આપવાની કહાની દોહરાવી હતી અને રિફિલિંગ કરનાર પેઢી દ્વારા સ્ટીકર બદલાવવામાં ન આવ્યા હોવાનું જણાવી સ્ટીકર બદલાવવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text

- text