ચોમાસુ ઢૂંકડુ આવતા જ પાણીની મોકાણ : માળિયાનું બગસરા 20 દિવસથી તરસ્યું

- text


પાણી ન મળે તો ધરણા પ્રદર્શનની ચીમકી સાથે માળીયા તાલુકા પંચાયતના સદસ્યા દ્વારા પાણી પુરવઠા અધિકારીને રજુઆત કરાઈ

માળીયા : માળીયા (મી.) તાલુકાના બગસરા ગામે ભરઉનાળે પાણીની કારમી અછત સર્જાઈ છે. ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની મોકાણ સર્જાતા ગામલોકોને પાણી માટે જ્યાં-ત્યાં વલખા મારવાની નોબત આવી છે. અનેક વખત રજુઆત કરવા છતાં પાણી પ્રશ્નનું નિરાકરણ ન આવતા લોકોની ધીરજ ખૂટી છે અને પાણી પૂરતા પ્રમાણમાં ન મળે તો પાણી પુરવઠાની કચેરીએ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે.

માળીયા તાલુકા પંચાયતના સદસ્યા રૂખીબેન ભીમભાઈ પીપળીયાએ પાણી પુરવઠાના અધિકારીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, માળિયા(મિ.) તાલુકાના બગસરા ગામમાં છેલ્લા 20 દિવસથી નાનાભેલાથી આવતું પાણી માત્ર બીજા દિવસે 2 કલાક અથવા 4 કલાક પાણી આવે છે. તો નાના ભેલાથી બગસરા પાઇપ દ્વારા અપાતું પાણી જે સંપમાં આવે છે. તેનાથી આખા ગામનું પાણી વિતરણ બંધ છે અને દરિયાકાંઠે આવેલા મીઠા ઉત્પાદનકર્તા પાણીના ટેન્કર રોજે પાણી ભરી આપે છે. જેથી બગસરા ગામને પાણીની મોટી હાલાકી ભોગવવી પડે છે.

બગસરા ગામની વસ્તી આશરે 2 હજારની છે અને માલ-ઢોર-પશુ 700 જેટલા છે. જેના સામે આ ગામને માત્ર બીજા દિવસે અથવા ત્રીજા દિવસે પણ પુરતુ પાણી મળતુ નથી. આથી આ ગામની વિકટ પરિસ્થિતીની સમસ્યાઓ હોય અને મીઠા ઉત્પાદનકર્તા તે કાયમી ટ્રેકટર દ્વારા પાણીની છૂટ આપવામાં આવી છે. સામે આખુ ગામ મજુરી કરીને રોજે રોજ પેટનો ખાડો ભરતું હોય ત્યારે બગસરાને પાણી આપવાની જગ્યાએ મોટા માથાના ટ્રેકટરને પાણી આપી દેવામાં આવતું હોવાનો આરોપ પણ લગાવાયો છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, પાણી પુરવઠા બોર્ડને ફોન કરી તો એમ કહે છે કે, પાણી ઉપરથી આવતુ નથી. કાં તો લાઇટ નથી કા તમારી લાઇન તપાસ કરો. એવા ઉડાવ જવાબો આપે છે. ઉપરાંત કચેરીએ ફોન ઉપાડતા ન હોવાનું અને આવા બહાનાથી કંટાળીને ફરી રજુઆત કરી છે. ત્યારે જો બગસરા ગામને 5 દિવસમાં પુરુતું પાણી આપવામાં અહીં આવે તો પાણી પુરવઠા કચેરીએ ધરણા કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

- text