હળવદ : વાવણીનો સમય ઢુંકડો આવતા જ રાસાયણિક ખાતરની અછત

- text


હળવદ ખરિદ-વેચાણ સંઘ હેઠળની ૨૫ સહકારી મંડળી પૈકી ૧૯માં ખાતર ખલાસ

હળવદ : ચોમાસાના આગમનની છડી પોકારાઈ ગઈ છે અને ખેડૂતો ખરીફ સીઝનમાં આગોતરા વાવેતર માટે સજ્જ બન્યા છે પરંતુ હાલમાં મોરબી જિલ્લામાં વાવણી માટે ઉપયોગી રસાયણિક ખાતર મળતું ન હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હળવદ તાલુકામાં કુલ ૨૫ સહકારી મંડળીમાં રાસાયણિક ખાતરનું વેચાણ કરવામાં આવે છે પરંતુ હાલ માત્ર ૫ થી ૬ મંડળીમાં જ ખાતરનું વેચાણ ચાલુ છે. જ્યારે જેમાં ૧૯ સહકારી મંડળીમાં ખાતર ખલાસ થઈ ગયું હોય ખેડૂતોના આગોતરા વાવેતર હાલ તુર્ત અટકી પડ્યા છે. જો કે આ ખાતરનો પ્રશ્ન બેથી ત્રણ દિવસમાં હલ થઇ જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

ખેડૂતોને વાવણી માટે અગત્યના ગણાતા ડીએપી, એનપીકે સહિતના ખાતરમાં ભાવવધારાની પળોજણમાંથી માંડ મુક્તિ મળી છે. ત્યાં મોરબી જિલ્લામાં તેમજ અન્ય જિલ્લામાં વાવણી માટેના ખાતરની અછત જોવા મળી રહી છે. જિલ્લાના હળવદ ખાતે પણ આ પરિસ્થિતિને કારણે આગોતરા વાવેતર ઉપર અસર પહોંચવાની શક્યતા છે. હાલ હળવદ તાલુકામાં કુલ 25 ખાતરના વેચાણ ડેપો પૈકી 19 સ્થળોએ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

- text

હળવદ ખરીદ વેચાણ સંઘના મેનેજર દર્શનભાઈ માકાસણાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાવાઝોડાને લિધે અને વચ્ચે ભાવ વધારો હતો. જેને કારણે થોડી ખાતરમાં અછત સર્જાઈ છે. જો કે આપણી પાસે આઈપીએલ કંપનીનું ડીએપી ખાતર છે પરંતુ તે તાલુકામાં ચાલતું ન હોય અહીં માત્ર સરદાર અને બલવાનનુ જ ડીએપી ખાતર ખેડૂતો ખરીદતા હોય છે. જેથી, તે કંપનીનો ખાતરનો જથ્થો આવતા બેથી ત્રણ દિવસમાં દરેક મંડળીઓને મળી જશે તેમ જણાવ્યું હતું.

- text