દેશ માટે ખડેપગે રહેતા મોરબીને ખરા સમયે શું મળ્યું! માત્ર લાચારી, નિરાશા

- text


મોરબી આજે એક-એક શ્વાસ માટે ભીખ માંગી રહ્યું છે : વિશ્વમાં કોઈ પણ ખૂણે સેટિંગ કરી લેતું મોરબી રેમડીસીવીર ઇન્જેકેશન માટે લાચાર

મોરબી : સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબીના ડંકા કોરાનાએ બોદા બનાવી દીધા છે અને દેશ, દુનિયાને કપરી સ્થિતિમાં મદદ માટે સતત તૈયાર રહેનાર મોરબીને ખરા સમયે મદદ કરવામાં આજે વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને જાણે કોઈ રસ જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા નીરવ માનસેતાએ મોરબીના ઉદ્યોગપતિઓને અને પ્રજાને જાગૃત કરવા એક પોસ્ટ લખી છે જે અક્ષરસ: અહીં રજૂ કરવામાં આવી છે.

નીરવ માનસેતા લખે છે કે, ગયા વર્ષે મોરબીમાંથી કારખાનાવાળા મિત્રોએ તેમજ અન્ય ઈન્ડસ્ટ્રીના મિત્રોએ કરોડો રૂપિયા કોરોના માટે ડોનેશનમાં આપ્યાં ત્યારે જ હું અમુક અંગત મિત્રોને કહેતો કે આટલા રૂપિયામાં તો મોરબીમાં અત્યાધુનિક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ બની જાય એ બનાવો તો ભવિષ્યમાં કાયમ કામ આવશે.

વર્ષે દહાડે અબજો રૂપિયાનું ટર્નઓવર, એક હજારથી વધુ કારખાનાઓ અને હજારો લોકોની રોજગારી જેના પર ચાલતી હોય એવી ઈન્ડસ્ટ્રી ટ્રસ્ટને આધારીત શું આવી એક હોસ્પિટલ ન બનાવી શકે? સિરામીક વર્કર્સને, કર્મચારીઓને ટોકનભાવે કાયમી સુવિધા મળી રહે. આજે એક વર્ષ પછી આપણે ફરી પાછો એ જ રસ્તો અપનાવવો પડ્યો છે.

- text

ખુદના દમ પર આપણે કોવિડ કેર સેન્ટર્સ ઉભાં કરીએ છીએ. મુદ્દો મેન્ટાલિટીનો છે. મોરબી મોટા ગામડાંથી વિશેષ બીજું કાઈં નથી. પચાસ લાખથી એક કરોડ સુધીની ગાડી મોરબીમાં ફરે છે. પણ રસ્તા સાઈકલ લઈને નિકળીએ તો એનોય પંખો તૂટીને ઉલરીને મોઢા ઉપર લાગે એટલાં ખાડા ઓડીનો કાચ ખોલીને પિચકારી મારતાં મારતાં આપણે ફરીયાદ કરીએ છીએ કે સ્વચ્છતા નથી. કોઈપણ પ્રકારના ટાઉન પ્લાનિંગ વગર બનેલાં એપાર્ટમેન્ટના જંગલની વચ્ચોવચ ઉભાં રહીને આપણે બરાડા પાડીએ છીએ કે ભાઈ અમારી સોસાયટીમાં પાણીનો નિકાલ નથી.

દમ ઘુંટાય જાય ને જિંદગી ગુંગળાઈ જાય એવા વાતાવરણની વચ્ચે જ જીવવાનું. વિશ્વ આખાને સાજ સજાવતું મોરબી આજે વેર-વિખેર થઈ રહ્યું છે. નગરોના નગરો ખરીદી લેવાની ક્ષમતાં ધરાવતું મારું મોરબી આજે એક એક શ્વાસ માટે ભીખ માંગી રહ્યું છે.

જગત આખામાંથી વિશાળકાય મશીનો આયાત કરી આવીએ છીએ આપણે પણ એક ઓક્સિજનની બોટલ અને નાનકડાં વેન્ટિલેટર માટે આજે મોરબી તરફડી રહ્યું છે. વિશ્વના કોઈપણ ખૂણે ધંધાનું સેટીંગ કરી નાખતું મોરબી આજે રેમડેસિવીરના સેટીંગ માટે દર દર ભટકે છે.

આખી દુનિયાને સમય બતાવનારું મોરબી અત્યારે બહું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. મોરબી માટે આ આત્મમંથનનો સમય છે દોસ્તો. ખાલી પૈસાથી સમૃદ્ધ થવા કરતાં વિચારોનો વૈભવ વિકસાવવાનો અને આપણી માનસિકતા થોડી મોકળી કરવાનો સમય હવે આવી ગયો છે.

આટલો રૂપિયો છે મોરબીમાં શું કામનો? આટલો રૂપિયો આજ સુધી આપણે વાપર્યો શું કામ આવ્યો? મળ્યું શું આપણને? માત્ર લાચારી અને નિરાશા… ધૂળ પડી આપણાં પૈસા ઉપર…

- text