રફાળેશ્વરમાં યુવક-યુવતીના ઝઘડામાં બન્નેના પરિજનો બાખડ્યા: સામસામે નોંધાઇ ફરિયાદ

- text


મોરબી: રફાળેશ્વર ગામે યુવક અને યુવતી વચ્ચેની સામાન્ય તકરારમાં બન્નેના પરિજનો સામસામે આવી જતા ધડબડાટી બોલી ગઈ હતી. બનાવને લઈને બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ફરીયાદોની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટે.માંથી મળતી માહિતી અનુસાર 35 વર્ષીય સવિતાબેન કાંતીભાઈ કેશુભાઈ ચૌહાણે (રહે.ડોવેલ સિરામિક, અમરધામ આશ્રમ પાસે, માટેલ રોડ તા.વાંકાનેર) રફાળેશ્વર ગામના રહેવાસી ખુશ્બુબેન, ખુશ્બુબેનની બહેન (જેનું નામ આવડતું નથી) નસીમબેન સુલતાનભાઈ, સુલતાનભાઈ તેમજ આરીફભાઈ (રહે.બધા રફાળેશ્વર) સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સાહેદની સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે ખુશ્બુબેને અગાઉ ફોન કાપવા બાબતે ફરિયાદીના દીકરા દિપકની સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખીને તેઓને જાતિપ્રત્યે હડધુત કર્યા હતા અને જાહેરમાં ગાળો આપીને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સવિતાબેન કાંતિભાઈ ચૌહાણની ફરિયાદ ઉપરથી ઉપરોક્ત પાંચેય વિરુદ્ધ પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી એચ.એમ.ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.

- text

જ્યારે સામાપક્ષેથી નસીમબેન સુલતાનભાઈ, કરીમભાઈ મલેક, (ઉં.વ.૪૫) રહે.રફાળેશ્વર લીલાભાઈ ભરવાડના મકાનમાં વાળાઓએ સવિતાબેન, કાંતિભાઇ, સવિતાબેનનો દીકરો દિપો તથા બે અજાણી સ્ત્રીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વળતી ફરિયાદ નોંધાવી છે કે, તેઓની દિકરી શેરીના નાકે તેમના ઘર નજીક માથુ ધોતી હતી ત્યારે સામેવાળાઓ ઘસી આવ્યા હતા અને “અમારા દીકરાની સામે કેમ ફરિયાદ કરેલ છે?” એમ કહીને ફરિયાદી નસીમબેનની દિકરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાનમાં ફરિયાદી નસીમબેન અને તેમના પતિ સુલતાનભાઇ પોતાની દિકરીને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. જે અંગે હાલ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પીએસઆઇ ડી.વી.ડાંગરે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text