મોરબીમાં ‘વર્લ્ડ બર્થ ડીફેકટ-ડે’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓને સન્માનીત કરાયા

- text


જન્મજાત ખોડખાપણ ધરાવનાર બાળકોને સમયસર નિદાન અને સારવાર મળી રહે તે માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્યકર્મીઓ માટે વર્કશોપ યોજાયો

મોરબી : ગત તા. ૩ માર્ચ ૨૦૨૧નાં રોજ “વર્લ્ડ બર્થ ડીફેકટ-ડે”ની ઉજવણીનાં ભાગ રૂપે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યોજાયેલ વર્કશોપ દરમિયાન મોરબી જિલ્લામાં ગત વર્ષ દરમિયાન બર્થ ડીફેકટ (જન્મ સાથે ખોડખાપણ) ધરાવનાર બાળકોની સારવાર કરવા માટેની શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનું જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સંબંધિત આરોગ્યક્રમીઓ માટે યોજાયેલ વર્કશોપમાં જન્મજાત ખોડખાપણ ધરાવનાર બાળકોને સમયસર નિદાન અને સારવાર મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે વર્ષ ૨૦૨૦-૨૧માં આર.બી.એસ.કે.ની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓને જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય તમામને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હળવદ તાલુકાની ટીમનાં ડૉ. ચાંદની કગથરા, ડૉ. સુનીલ કણઝારીયા તેમજ નીતાબેન ગોળીયા અને દ્વિતીય નંબર મેળવનાર વાંકાનેર તાલુકાની ટીમમાં ડૉ. વિશાલ શીલુ તેમજ મેમુનાબેન કડીવારને સીલ્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમના નોડલ ઓફિસર ડૉ. વિપુલ કારોલીયાને શ્રેષ્ઠ સંચાલન બદલ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

- text

વર્કશોપ તેમજ સન્માન સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર, જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ ઓફિસર સહિત સલગ્ર મોરબી જિલ્લાના સબંધિત આરોગ્ય કર્મીઓએ ભાગ લીધો હતો.

- text