આજે કસ્તુરબા ગાંધીનો નિર્વાણ દિવસ: ગાંધીજીના ખોળામાં આજના દિવસે જ બાએ કર્યો હતો દેહત્યાગ

- text


ગાંધીજીના સત્યાગ્રહી જીવનમાં કસ્તુરબાનું મહત્વનું યોગદાન: માત્ર 13 વર્ષની ઉંમરે કસ્તુરના લગ્ન મોહનદાસ સાથે થયા હતા

મોરબી: 11 એપ્રિલ 1869ના દિવસે કસ્તુરનો જન્મ પોરબંદરમાં થયો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે કસ્તુર મોહનદાસના પત્નિ બન્યા ત્યારે કોઈને અણસાર સુદ્ધા ન હતો કે કસ્તુર આગળ જતાં રાષ્ટ્રના બા તરીકે અને મોહનદાસ રાષ્ટ્રપિતા તરીકે વિશ્વમાં નામાંકિત થશે.

લગ્ન સમયે કસ્તુરબા નિરક્ષર હતા. લગ્નબાદ મોહનદાસ ગાંધીએ તેમને લખતા વાંચતા શીખવ્યું હતું. કસ્તુરબા 6 મહિના ગાંધીજી કરતા ઉંમરમાં મોટા હોવાથી મોહનદાસ તેમના પત્નિને બા કહીને સંબોધતા. તાજેતરમાં જ ગાંધીજી તેમજ કસ્તુરબાના જન્મને 151 વરસ પુરા થઈ ચૂક્યા છે. બન્નેનું દામ્પત્ય જીવન બાળપણમાં જ શરૂ થયું હતું. ત્યારે બાળસહજ હઠમાં કસ્તુરબા કરતા ગાંધીજી વધુ પ્રબળ હતા એવું સત્યના પ્રયોગો નામની આત્મકથામાં ગાંધીજી નોંધે છે. દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમ્યાન સત્યાગ્રહની લડતમાં કસ્તુરબાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્વ કરેલું. અહીંથી જ કસ્તુરબામાં નેતૃત્વના ગુણોનો પાયો નંખાયો હતો. 9 જાન્યુઆરી 1915ના દિવસે ભારત પરત ફર્યા બાદ બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા કસ્તુરબાએ સંભાળેલી. ગાંધીજીએ એક જગ્યાએ નોંધ્યું છે કે, દરેક હિન્દૂ પત્નિમાં પતિના પદચિહ્નો પર ચાલવાનો ગુણ હોય છે. ઈચ્છા અનિચ્છાએ પણ તેઓ ગાંધીજીના પદચિહ્નો પર ચાલતા અને એમાં જ ધન્યતા અનુભવતા. આથી જ ગાંધીજીના તમામ આંદોલનોમાં કસ્તુરબાએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવેલી.

- text

કેટલીય વાર સભા-સરઘસોમાં જોડાવવા બદલ કસ્તુરબાએ જેલવાસ પણ ભોગવેલો. ગાંધીજીની અંગત દેખભાળમાં કસ્તુરબાએ જાત ઘસી નાંખી હતી. જેલવાસ દરમ્યાન પણ તેઓ પ્રસન્ન અને સતત પ્રવૃત્તિશીલ રહેતા. નાનપણમાં અક્ષરજ્ઞાન તેઓએ ગાંધીજી પાસેથી મેળવ્યું હતું પણ 60 વર્ષની વયે તેઓએ અંગ્રેજી લખતા-વાંચતા શીખવાની શરૂઆત કરી. જો કે એ બાબતનો છોછ તેઓ ક્યારેય અનુભવતા નહિ. બાપુના પગના તળિયે તેલમાલિશ કરવી, પ્રાર્થના સભામાં હાજરી આપવી, દરરોજ 400થી 500 તાર સુતર કાંતવું એ બધી ક્રિયાઓ કસ્તુરબના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું હતું.

9 ઓગષ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે કસ્તુરબાને પણ પુનાની આગાખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા. ત્યાં તેમની તબિયત લથડી. આખરે 22મી ફેબ્રુઆરી 1944ના દિવસે 75 વર્ષની વયે કસ્તુરબાનું દેહાવસાન થયું. ગાંધીજી સાથે 62 વર્ષના લગ્નજીવન બાદ ગાંધીજીના ખોળામાં માથું રાખીને સુતેલા બાએ દેહત્યાગ કર્યો ત્યારે બાપુએ સત્યાગ્રહની લડતનો તેમનો સૌથી વધુ નિકટનો એક સૈનિક ગુમાવ્યો હતો.

બાપુએ એકવાર કહેલું કે, “મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું દરેક જન્મમાં જીવન સંગીની તરીકે બાને જ પસંદ કરું.” રાષ્ટ્પિતાના આ શબ્દો કસ્તુરબાનું સમગ્રતઃ જીવન કવન કેવું રહ્યું હશે એ દર્શાવી જાય છે.

સંકલન: પંકજસિંહ જાડેજા

- text