હળવદ પંથકમાં નરાધમોએ ભારે કરી, એક ગૌવંશના પગ કાપી નાખ્યા

- text


પલાસણ ગામે છેલ્લા થોડા સમયના અંતરાલમાં ગૌવંશ ઉપર હુમલાની ત્રીજી ઘટના

હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર કહેર વરસ્યો હોય તેમ હુમલાઓની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું છે. હળવદ પંથકમાં અત્યાર સુધીમાં ગૌવંશ ઉપર સંખ્યાબંધ હુમલાઓની ઘટના વચ્ચે રુંવાડા કંપી ઉઠે તેવી બર્બરતાભરી ઘટના સામે આવી છે. પોલીસનો ડર જ ન હોય તેમ નરાધામોએ હવે તો હદ કરી નાખી છે. જેમાં હળવદના પાલાસણ ગામે એક ગૌવંશના પગ કાપી નાખ્યા હતા. પાલાસણ ગામે છેલ્લા થોડા સમયના અંતરાલમાં ગૌવંશ ઉપર હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

હળવદ પંથકમાં જાણે ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના અટકવાનું નામ જ ન લેતી હોય ગૌવંશ ઉપર હુમલાની લગાતાર ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધીમાં હળવદ પંથકમાં 25થી વધુ ગૌવંશ ઉપર હુમલો થયો હતો. આ ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના સામે ગૌપ્રેમીઓ ઉકળી ઉઠ્યા હતા. અગાઉ પોલીસને રજુઆત કરી તેમજ ગૌવશ ઉપર હુમલો કરનાર બે શખ્સોને પકડી પાડ્યા છતાં નરાધમોને પોલીસનો ડર જ ન હોય એમ બેફામ બન્યા છે.

- text

જેમાં થોડા દિવસો અગાઉ હળવદના પાલાસણ ગામે છ જેટલા ગૌવંશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો અને બીજા ત્રણ ગૌવંશ ઉપર ઘાતકી હથિયારોથી હુમલો કરી પગમાં ગંભીર ઇજા કરી પગને ભાંગી નાખ્યા હતા. તેમજ હમણાં એક ગૌવંશ ઉપર કોઈએ ધારીયાના ઘા ઝીકયા હતા. આ ઘટનાથી હજુ લોકોને કળ વળી નથી. ત્યાં જ આ જ પાલાસણ ગામે વધુ એક ગૌવંશ ઉપર હુમલાની ઘટના બહાર આવી છે. જેમાં આ ગામમાં એક ગૌવંશના પગ કાપી નાખ્યા હતા. જો કે ગૌવંશ ઉપર હુમલા કરતા નરાધમો બેફામ બનીને અધમ કૃત્ય આચરી રહ્યા હોવા છતાં પદાધિકારીઓ અને અધિકારીઓ ખામોશ રહેતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

- text