મોરબી : ફાયર બ્રિગેડના જવાનોના હસ્તે કેક કટિંગ કરીને જલારામ જયંતિની ઉજવણી કરાઈ

કોરોના મૃતકોની અંતિમ વિધિ કરીને કોરોના વોરિયર્સ તરીકે ઉમદા કામગીરી બદલ ફાયર બ્રિગ્રેડના જવાનોને આ ગૌરવ અપાયું : જલારામ મંદિર દ્વારા જલારામ બાપાની 221મી જન્મજયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં સમસ્ત રંઘુવંશી સમાજ દ્વારા આજે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 221 મી જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર દ્વારા જલારામબાપાની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર કોરોના કાળ દરમ્યાન કોરોનાના મૃતકોની અંતિમવિધિ કરી કોરોના વોરિયર્સ તરીકે ઉમદા ફરજ બજાવનાર મોરબી ફાયર બ્રિગ્રેડના જવાનોના હસ્તે કેક કંટીગ કરીને જલારામબાપાની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા કેટલા વર્ષોથી વ્યક્તિ વિશેષના હસ્તે કેક કટિંગ કરીને ઉજવણી કરવાની ભાવના જાળવી રાખીને આ વખતે કોરોના મૃતકોની અંતિમ વિધિ કરીને કોરોના વોરિયર્સ તરીકે ઉમદા કામગીરી બદલ ફાયર બ્રિગ્રેડના જવાનોને આ ગૌરવ અપાયું હતું.

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે આજે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સવારે પ્રભાતધૂન, જલારામ બાપાનુ પૂજન, અન્નકુટ દર્શન,મહાઆરતી અને છેલ્લા કેટલા વર્ષોની અનોખી રીતે જલારામ બાપાની જન્મ જયંતિની અનોખી ઉજવણી વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ એટલે મોરબીના 168 કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર ફાઈટરની ટીમના હસ્તે બપોરે 12 વાગ્યે કેક કટીંગ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

આ વખતે કોરોનાની મહામારીના પગલે પ્રવર્તમાન વર્ષે મહાપ્રસાદને બદલે ભક્તજનોને પ્રસાદ વિતરણ પેકીંગમા કરવામાં આવ્યું હતું. આજે પૂ. જલારામ બાપા ની 221 મી જન્મજયંતિ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, મોરબી જીલ્લા પૂર્વ પ્રમુખ, રાઘવજીભાઈ ગડારા, રુચિર ભાઈ કારીયા, જલાભાઈ સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી પૂ. બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ સર્વે જલારામ ભક્તોને જલારામ જયંતિની શુભકામના પાઠવી હતી.